194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 4 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ.
કચ્છના જખૌ ખાતેથી ગયા વર્ષે ઝડપાયેલા 194 કરોડોના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા નલિયા કોર્ટે લોરેન્સ બિશ્નોઈના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા લોરેન્સના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, નલિયા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 28મી ઓગસ્ટે લોરેન્સ બિશ્નોઈને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ કેસની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપાવામાં આવી છે. હવે ડ્રગ્સ કેસમાં વધુ કનેક્શન બહાર આવવાની શક્યતા છે.
- Advertisement -
લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી
ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 194 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.
લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસને જાણવા મળ્યું
ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના સપ્લાયમાં મહત્ત્વનો ભાગ ભજવતા તેમજ આતંક ફેલાવતા લોરેન્સ બિશ્નોઇનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું હતું. પાકિસ્તાનથી અંદાજે 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેના પર આરોપ છે. જેના પગલે ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા પટિયાલાની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. એટીએસએ કરેલી અરજીને એનઆઇએની કોર્ટમાં મંજૂર કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેને પગલે તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.
સલમાન સહિત ઘણા લોકોને આપી છે ધમકી
હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાન ખાન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. એટીએસે પાકિસ્તાનથી આવી રહેલા કરોડોના ડ્રગ્સને ઝડપી લઈને તપાસ કરી હતી જેમાં લોરેન્સના સાગરીત ગોલ્ડી બ્રારની સંડોવણી સામે આવી રહી છે. હાલ ગોલ્ડી વિદેશમાં હોવાથી તેનો કબજો મેળવવા માટેની પણ કવાયત ચાલી રહી છે.