ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ‘જલ અર્પણ વિધિ’ સંપન્ન: 20 લાખ લિટરની ટાંકીથી 792 પરિવારોને મળશે શુદ્ધ પાણી, શાળા માટે નવા ટાંકાની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
- Advertisement -
મોરબી તાલુકાના લાલાપર ગામે સરકારના ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત રૂ. 31.85 લાખના ખર્ચે નવનિર્મિત પેયજળ યોજનાની જલ અર્પણ વિધિ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ દ્વારા લાલાપર ગામના 792 પરિવારો અને આશરે 7000ની વસ્તીને ઘરે-ઘરે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ બન્યું છે.
આધુનિક માળખાકીય સુવિધાઓ અને વિકાસ આ યોજના અંતર્ગત રૂ. 29.87 લાખના ખર્ચે 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી વિશાળ ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 324 મીટર લાંબી પાઈપલાઈન, નવો પંપરૂમ અને 10 હોર્સ પાવરની આધુનિક પમ્પિંગ મશીનરી કાર્યરત કરાઈ છે. આ પ્રસંગે ધારાસભ્યએ લાલાપર ગામની શાળા માટે પોતાની ગ્રાન્ટમાંથી પાણીનો ટાંકો બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. તેમણે ગ્રામજનોને જવાબદાર નાગરિક તરીકે 100 ટકા પાણી વેરો ભરવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
‘હર ઘર જલ’ જાહેર અને જલ સંકલ્પ કાર્યક્રમ દરમિયાન લાલાપર ગામને સત્તાવાર રીતે ‘હર ઘર જલ’ ગામ જાહેર કરી ગ્રામ પંચાયતને ‘જલ કળશ’ અર્પણ કરવામાં આવ્યો હતો. વાસ્મોના યુનિટ મેનેજર મહેશ દામાને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ બદલ બિરદાવવામાં આવ્યા હતા. અંતમાં, ધારાસભ્ય સહિતના મહાનુભાવો અને ગ્રામજનોએ સાથે મળીને યોજનાના ટકાઉપણા માટે સામૂહિક ‘જલ સંકલ્પ’ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



