કેન્યામાં એક રહસ્યમય રોગે દેખા દીધી છે. શાળાની છોકરીઓના પગમાં લકવાનાં લક્ષણોને પગલે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક મીડિયા અનુસાર કેન્યામાં લગભગ 100 વિદ્યાર્થીનીઓએ પગમાં લકવાનાં લક્ષણોની જાણ કરી છે. મોટાભાગની છોકરીઓ પગમાં લકવાને કારણે ચાલી શકતી નથી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના કાકામેગા શહેરની સેન્ટ થેરેસા એરેગી ગર્લ્સ હાઈસ્કૂલમાં બની હતી અને લકવાગ્રસ્ત શાળાની વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને શાળાને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.
આફ્રિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે કાઉન્ટી એજ્યુકેશન ઓફિસર બોનફેસ ઓકોથે મીડિયાને જણાવ્યું કે 95 લકવાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અન્ય એક અહેવાલ મુજબ, શાળાની છોકરીઓને પગમાં લકવાને કારણે ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી અને તેમને ખેંચાણ પણ લાગી રહી હતી. જો કે આ રોગ ખરેખર શું છે તે બહાર આવ્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિષ્ણાતોનું માનવું છે કે આ માસ હિસ્ટીરિયા હોઈ શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે પીડિત છોકરીઓના લોહીના નમૂના આરોગ્ય અધિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે અને કેન્યા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (કેઈએમઆરઆઈ) પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં રહસ્યમય રોગની તપાસ કરવામાં આવી રહી છે. કેન્યાના અધિકારીઓએ પીડિત છોકરીઓના માતા-પિતા અને વાલીઓને તેમના બાળકોના સ્વાસ્થ્યની નજીકથી દેખરેખ રાખવા વિનંતી કરી છે. એક રહસ્યમય બીમારીને કારણે ચાલી ન શકતી વિદ્યાર્થીનીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Advertisement -
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે પોસ્ટ કર્યું, ‘કેન્યામાં ઘણી સ્કૂલની વિદ્યાર્થિનીઓને રહસ્યમય બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે મોટાભાગની વિદ્યાર્થીનીઓના પગ લકવાગ્રસ્ત છે અને તેઓ ચાલી શકતી નથી.