પર્સનલ લો મુજબ 15 વર્ષથી વધુ વયની સગીરાના લગ્ન થઇ શકે
આઇપીસી અને પોક્સો એક્ટ પર્સનલ લો કરતાં વધુ મહત્ત્વના છે : હાઇકોર્ટનું નિરીક્ષણ
- Advertisement -
યુવતીને ફોસલાવીને હોટેલમાં લઇ જઇને રેપ કરનારા યુવક સામે પોક્સો લાગુ, જામીન અરજી રદ
કર્ણાટક હાઇકોર્ટે કહ્યું છે કે પોક્સો કાયદો અને આઇપીસી મુસ્લિમ પર્સનલ લોથી ઉપર છે. હાઇકોર્ટનું અવલોકન છે કે મુસ્લિમ સમાજમાં પણ કોઇ સગીર વયની યુવતીના નિકાહ ન કરી શકાય અને જો આમ થાય તો તેમાં પણ પોક્સો કાયદો લાગુ થઇ શકે છે.
હાઇકોર્ટમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ પર્સનલ લો મુજબ મુસ્લિમ યુવતીમાં 15 વર્ષમાં પુખ્તતા આવી જાય છે. જોકે હાઇકોર્ટે આ દલિલોને પણ નકારી દીધી હતી. અને કહ્યું હતું કે પોક્સો કાયદો અને આઇપીસી તે પર્સનલ લોની પણ ઉપર આવે. તેથી હાઇકોર્ટે મુસ્લિમ સગીરાના લગ્નને અયોગ્ય ઠેરવ્યા હતા.
- Advertisement -
કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ રાજેંદ્ર બદામીકરે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પોક્સો વિશેષ કાયદો છે, અને તેથી તે પર્સનલ લોથી પણ મોટો છે. પોક્સો કાયદા મુજબ પુખ્ત વય 18 વર્ષની છે. અને જો 18 વર્ષથી ઓછી વયની યુવતી સાથે લગ્ન કરીને શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તેને અપરાધ માનવામાં આવે છે. કર્ણાટક હાઇકોર્ટે 27 વર્ષીય એક મુસ્લિમ યુવકની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ યુવકની પત્નીની ઉંમર 17 વર્ષ છે અને તે ગર્ભવતી પણ છે. જ્યારે તેની પત્ની હોસ્પિટલ તપાસ કરાવવા માટે આવી ત્યારે ત્યાં તેણે પોતાની ઉંમર 17 વર્ષની બતાવી હતી તેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ડોક્ટરે પોલીસને સમગ્ર મામલાની જાણકારી આપી દીધી, બાદમાં પોલીસે પતિ પર પોક્સો કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી દીધી હતી. જોકે કોર્ટે પતિની જામીન અરજીનો સ્વિકાર કરી લીધો છે. જ્યારે અન્ય એક મામલામાં હાઇકોર્ટે જામીન અરજીને રદ કરી દીધી હતી. ન્યાયાધીશ રાજેંદ્ર બદામીકરે અન્ય એક મામલામાં 19 વર્ષીય આરોપીના જામીન રદ કરી દીધા હતા. આરોપી એક 16 વર્ષની યુવતીને ફોસલાવીને મૈસુર લઇ ગયો હતો. જ્યાં એક હોટેલમાં તેણે સગીરા પર બે વખત રેપ કર્યો હતો. હાઇકોર્ટે આ મામલામાં જામીન અરજીને રદ કરી દીધી હતી. જોકે હાઇકોર્ટ સમક્ષ આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે પીડિતા અને આરોપી બન્ને મુસ્લિમ છે તેથી પુખ્ત વયને ધ્યાનમાં રાખવામાં આવે. જે બાદ હાઇકોર્ટે કહ્યું હતું કે પોક્સો કાયદો બધાને લાગુ પડે છે. અને અરજદાર પર્સનલ લોની આડમાં જામીન અરજી ન કરી શકે.