મસ્કે બેન્જામિન નેતન્યાહૂ સાથે કિબુત્ઝમાં જઈને હમાસના હુમલાની સ્થિતિ જાણી, ફોનમાં વીડિયો ઉતાર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ઈલોન મસ્કે ઈઝરાયલની મુલાકાત કરી હતી અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે હમાસે જ્યાં પહેલી વખત હુમલો કર્યો હતો તે કિબુત્ઝમાં જઈને હુમલાની સ્થિતિ જાણી હતી. મસ્કની કંપની સ્ટારલિંકના સેટેલાઈટથી ગાઝામાં ઈન્ટરનેટ આપવાની સમજૂતી પણ ઈઝરાયલની સરકાર સાથે કરી હતી.
ઈલોન મસ્કની એક્સ પ્લેટફોર્મ પર એક ટ્વિટ ભારે વિવાદાસ્પદ બની હતી. એમાં એક વ્યક્તિએ યહુદીઓ વિરૂૂદ્ધ ટીપ્પણી કરી હતી, જેનો જવાબ આપીને ઈલોન મસ્કે એને સાચી ઠેરવી હતી. એ વિવાદ ભારે ચગ્યો હતો અને ઘણી કંપનીઓએ એક્સ (ટ્વિટર) પર જાહેરાત ન આપવાની જાહેરાત કરી હતી. મસ્ક પર યહુદીઓ વિરૂૂદ્ધની પોસ્ટને ફેલાવવા માટે મોકળું મેદાન આપવાનો આરોપ છે અને એ સંદર્ભમાં બેન્જામિન નેતન્યાહૂએ સપ્ટેમ્બર માસમાં મસ્ક સાથે વાત કરીને તટસ્થ વાતાવરણની હિમાયત કરી હતી.
આ વિવાદ વચ્ચે ઈલોન મસ્ક ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. મસ્કે બેન્જામિન નેતાન્યાહૂ સાથે એ સ્થળ કિબુત્ઝની મુલાકાત લીધી હતી, જ્યાં ગત ઓક્ટોબર માસમાં હમાસના આતંકીઓએ પહેલો વહેલો હુમલો કર્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ અને મસ્ક એ સ્થળે ગયા હતા.
મસ્ક અને ઈઝરાયલની સરકાર વચ્ચે ગાઝામાં સેટેલાઈટ ઈન્ટરનેટ આપવાનો કરાર પણ થયો હતો, જોકે, ગાઝામાં જે ઈન્ટરનેટ મળશે એ ઈઝરાયલથી સંચાલિત થશે. તે શરતે ગાઝામાં ઈન્ટરનેટ આપવા ઈઝરાયલની સરકાર સહમત થઈ છે. મસ્કની સ્ટારલિંક કંપનીના સેટેલાઈટની મદદથી હવે ગાઝા પટ્ટીમાં ઈન્ટરનેટની સુવિધા મળતી થશે.