ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.11 અને વોર્ડ નં.12ના રહીશોને પૂરતા ફોર્સ સાથે પીવાનું શુદ્ધ પુરતી માત્રામાં પાણી મળી રહે તે હેતુસર વોર્ડ નં.11માં જેટકો ચોકડી ખાતે રૂ.42 કરોડના ખર્ચે વોટર ફિલ્ટર પ્લાન્ટ તથા ઈ.એસ.આર./જી.એસ.આર.નું નિર્માણાધીન કાર્ય ગતિમાં છે. આ કામનો પ્રોગ્રેસ તથા કામગીરીની સમીક્ષા અર્થે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર દ્વારા સંયુક્ત મુલાકાત લેવામાં આવેલ. આ મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેર સંજીવભાઈ છૈયા, ચેતન મોરી, જીતેન્દ્ર ઝાલા, આ કામની એજન્સીના પ્રતિનિધિ ગુંજનભાઈ ગજેરા, વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી, હાલમાં પૂર્ણ થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ, બાકી રહેતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિને તથા સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવેલ. આ કામગીરી પૂર્ણ થવાથી વોર્ડ નં.11, 12ની અંદાજીત 2.5 લાખ જેટલા લોકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે. અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે.