શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત : ગૌશાળામાં 500 પશુ રાખવાની ક્ષમતા સામે 615 પશુ રાખવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને રખડતા ઢોરમુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ ગૌશાળાઓમાં જગ્યાના અભાવે આ કામગીરીને બ્રેક લાગી છે. હાલ મનપાની કૃષ્ણનગર ખાતેની ગૌશાળામાં 500 પશુ રાખવાની ક્ષમતા સામે 615 પશુ રાખવામાં આવ્યા છે, જેના કારણે વધુ પશુઓને રાખવાની જગ્યા નથી. બીજી તરફ, ખાનગી ગૌશાળાઓ પણ નવા પશુઓ સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે, જે મનપા માટે મોટો પડકાર બની ગયો છે.
- Advertisement -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા પશુઓનો ભારે ત્રાસ જોવા મળતો હતો, જેના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે મનપાએ અભિયાન શરૂ કરીને અત્યાર સુધીમાં 934 જેટલા પશુઓને પકડીને ઢોરવાડામાં રાખ્યા હતા. જે પૈકી 324 પશુઓને અલગ અલગ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ મનપાના ઢોરવાડામાં 615 પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે, જેના પાછળ દરરોજ પ્રતિ પશુ રૂ. 98ના ખર્ચે કુલ રૂ. 59,780નો દૈનિક ખર્ચ થાય છે. પશુઓને પકડવા માટે બે વાહનો સાથે 20 કર્મચારીઓનો સ્ટાફ પણ કાર્યરત છે.
કયા વિસ્તારોમાં ત્રાસ યથાવત?
જોકે, આટલા પ્રયાસો છતાં શહેરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ખાસ કરીને રતનપર મેઇન રોડ, ચોત્રીસ નંબર, જોરાવરનગર, મુખ્ય માર્કેટ, વિકાસ સ્કૂલ પાસે, 80 ફૂટનો રોડ, દાળમીલ રોડ, વઢવાણમાં પાંજરાપોળ રોડ, શિયાણી પોળ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં આજે પણ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના પશુપાલકો પોતાના પશુઓને જાહેર રસ્તાઓ પર છોડવાને બદલે પોતાની માલિકીની જગ્યા પર બાંધતા થયા છે, પરંતુ જે પશુઓના કોઈ માલિક નથી તેવા આખલાઓની સંખ્યા વધુ હોવાથી તેમને પકડીને પાંજરાપોળમાં રાખવા તે મનપા માટે મોટો પડકાર બન્યો છે.
- Advertisement -
નવી ગૌશાળા નિર્માણ અને યુનિક ટેગિંગની યોજના
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 5 ગ્રામ્ય વિસ્તારો ભળતા વિસ્તાર વધ્યો છે અને વધુ પશુ રાખવાની જગ્યાની જરૂરિયાત ઊભી થઈ છે. તાજેતરમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મહાનગરપાલિકાના બંને ઝોનમાં 1,000ની ક્ષમતા ધરાવતી ગૌશાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત, પકડાયેલા રખડતા ઢોરની ઓળખ માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર સાથેનું ટેગિંગ કરવામાં આવશે. આનાથી ઢોરની ઓળખ સરળ બનશે અને જો કોઈ ખાનગી માલિકીનું પશુ બીજી વાર પકડાશે તો દંડાત્મક કાર્યવાહી પણ કરી શકાશે. નવી ગૌશાળાઓના નિર્માણ અને યુનિક ટેગિંગની આ યોજનાઓ રખડતા ઢોરની સમસ્યાને હલ કરવામાં કેટલી કારગત નીવડે છે તે જોવું રહ્યું.