આ વખતે વિપક્ષનો પ્રથમ પ્રશ્ર્ન: તંત્ર દ્વારા આપવામાં આવનારા જવાબમાં શાસક અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થશે તે નક્કી
કુલ 15 કોર્પોરેટરોએ 25 પ્રશ્ર્નો રજૂ કર્યા, જેમાં ભાજપના 12 સભ્યોએ 17 અને કોંગ્રેસના 3 સભ્યોએ 8 પ્રશ્ર્નોનો સમાવેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને યોજવામાં આવતી જનરલ બોર્ડની બેઠક કાલે યોજાશે. ઘણા લાંબા સમય બાદ મનપાની આ સામાન્ય સભામાં પ્રથમ ક્રમે વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાનાં પ્રશ્ર્નો આવ્યા છે. જેમાં સાગઠિયા દ્વારા ફ્લાવર બેડ તેમજ રોડ-રસ્તામાં ખોદકામ જેવા સળગતા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રથમ ક્રમે આ પ્રશ્ર્નો હોવાથી તેની ચર્ચા કરવી ફરજીયાત બનશે. ત્યારે તંત્ર દ્વારા આપવામાં આવનારા જવાબમાં શાસક અને વિપક્ષનાં ઘર્ષણ થવાની શક્યતા છે. આગામી બોર્ડમાં સાંસદ સહિતનાઓની કપાતમાં ગયેલ જમીનનું વળતર મંજુર કરવા સહિતની દરખાસ્તો પણ એજન્ડામાં સામેલ કરાઈ છે.
સામાન્ય રીતે લાંબા સમયથી શાસક પક્ષના 68 નગર સેવકોમાંથી કોઈના પ્રશ્ર્નથી જ બોર્ડની શરૂઆત થતી આવી છે, અને મોટાભાગનો સમય સરકારી માહિતી અને રાજકીય ચર્ચાઓમાં જ પૂરો થઈ જાય છે. જોકે, આ વખતે બોર્ડના ઇતિહાસમાં એક મોટો બદલાવ આવ્યો છે. આગામી જનરલ બોર્ડના ડ્રોમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાના ત્રણ ગરમાગરમ પ્રશ્ર્નો પહેલા ક્રમે આવતા શાસક પક્ષના સભ્યો પણ ડિફેન્સમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ધારદાર પ્રશ્ર્નોને કારણે આવનારા બોર્ડમાં માહિતીની ચર્ચા ઉપરાંત રાજકીય ચર્ચામાં પણ મોટી ઉગ્રતા જોવા મળે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ બોર્ડ માટે બપોર સુધીમાં કુલ 15 કોર્પોરેટરોએ 25 પ્રશ્ર્નો રજૂ કર્યા છે, જેમાં ભાજપના 12 સભ્યોએ 17 અને કોંગ્રેસના 3 સભ્યોએ 8 પ્રશ્ર્નોનો સમાવેશ થાય છે. જેમાં કોંગ્રેસના વશરામ સાગઠિયાનાં પ્રશ્ર્નોથી બોર્ડની શરૂઆત થશે.



