મુંબઈ પોલીસ અધિકારીઓની ટીમ કૉમેડિયનના ઘરે પહોંચી
હું જે જગ્યાએ 10 વર્ષથી રહેતો નથી..
- Advertisement -
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મુદ્દે વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. મુંબઈ પોલીસ અધિકારીઓની ટીમ કૉમેડિયનના ઘરે પહોંચી છે. બીજીતરફ કામરાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, ‘હું જે જગ્યાએ 10 વર્ષથી રહેતો નથી, ત્યાં જવું સમય અને જાહેર સંશાધનોની બરબાદી છે.’
કામરા પૂછપરછ માટે હાજર ન થયો
મળતા અહેવાલો મુજબ પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘કામરાએ મુંબઈના હેબિટેટ સેન્ટરમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, તે મામલે તેમને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવાયા હતા, જોકે તેઓ હાજર થયા નથી. આ પહેલા પોલીસે શિવસેના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદના આધારે 24 માર્ચે પ્રાથમિક ફરિયાદ નોંધી હતી અને પછી કામરાને બે સમન્સ મોકલ્યા હતા.
- Advertisement -
કામરાએ ટ્વિટ કર્યું
પોલીસ અધિકારીઓ ઘરે આવ્યા બાદ કામરાએ સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘પોલીસ એવા સ્થળે ગઈ છે, જ્યાં હું 10 વર્ષથી રહેતો નથી. આપના સમય અને જાહેર સંશાધનોની બરબાદી છે.
મુંબઈ પોલીસે ત્રણ જુદા જુદા કેસ નોંધ્યા
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ કામરા વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ત્રણ જુદા જુદા કેસ નોંધાયા છે. જલગાંવ શહેરના મેયર, નાસિકના એક હોટલ વ્યવસાયી અને એક વેપારીએ કામરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હાઈકોર્ટની કામરાને રાહત
ઉલ્લેખનીય છે કે, શિંદે મુદ્દે વિવાદોમાં ફસાયેલા કામરાને કોર્ટે આજે રાહત આપી છે. કામરાની મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની સાત એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. વાસ્તવમાં મુંબઇ પોલીસે કામરાને 31 માર્ચે ખાર પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું, જેને પગલે હવે કામરાએ મદ્રાસ હાઇકોર્ટમાંથી ધરપકડ સામે આગોતરાં જામીન મેળવી લીધાં છે. હવે સાત એપ્રિલ સુધી મુંબઇ પોલીસ કામરાની ધરપકડ કરી શકે તેમ નથી.
જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે કુણાલનો પક્ષ લેતાં કહ્યું કે, કુણાલ રાજનીતિ નથી કરતો. કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની વિરૂદ્ધ કટાક્ષ કરતી પૅરોડી બનાવ્યા બાદ રાજકારણમાં હોબાળો મચ્યો હતો. શિવસેના, ભાજપ સહિતના પક્ષોએ કામરાની ટીકા કરી હતી. પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે, કામરાએ માફી માગવાનો ઈનકાર કરતાં વધુ એક પૅરોડી બનાવી સરકાર પર પ્રહાર કર્યા હતા. આટલેથી ન અટકતાં કામરાએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ ટીખળ કરી હતી.
શું હતો વિવાદ?
પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો.