IPL 2024 માટે મુંબઈ ઇન્ડિયન્સે પોતાનો કેપ્ટન બદલ્યો, ત્યારે ચાહકોને લાગ્યું કે નવો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ રોહિતની જેમ ટીમનું નેતૃત્વ કરશે અને ફરી એક વાર ટીમ ટાઈટલ જીતશે, પરંતુ એવું થયું નહીં.
હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે અને તે 12માંથી 8 મેચ હારી ચુકી છે. જેના લીધે પ્લેઓફમાં જવાનું ટીમનું સપનું ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સ જો બાકીની બે મેચ જીતી પણ જાય, તો પણ તે પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. મુંબઈની ટીમ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકી છે, પરંતુ આ સિઝનમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું ન રહ્યું.
- Advertisement -
મુંબઈ ઇન્ડિયન્સે આ સિઝન માટે પોતાનો કેપ્ટન પણ બદલ્યો છે. મુંબઈના ચાહકોને એવું લાગ્યું કે નવો કેપ્ટન હાર્દિક પંડ્યા રોહિતની જેમ ટીમને જીત અપાવશે, અને આઈપીએલનું ટાઈટલ પણ જીતશે, પરંતુ એવું થયું નહીં. આ સિઝનમાં મુંબઈની ટીમ ક્યાં ચુકી ગઈ, એ જાણીએ.
હાર્દિક પંડ્યાને બનાવ્યો નવો કેપ્ટન
જોવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવીને કદાચ મોટી ભૂલ કરી. વર્તમાન સિઝનની શરૂઆત પહેલા મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો હતો. રોહિતની કપ્તાનીમાં મુંબઈ ઇન્ડિયન્સે પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. એવામાં આ નિર્ણય ઘણો ચોંકાવનારો હતો. એવા અહેવાલો હતા કે કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ હાર્દિકના કેપ્ટન બનવાથી ખુશ નથી. રોહિત જ્યારે કેપ્ટન હતો ત્યારે તે પોતાના ખેલાડીઓની નબળાઈઓ અને શક્તિઓથી સંપૂર્ણપણે વાકેફ હતો, પરંતુ કેપ્ટન બદલાઈ જવાને કારણે મુંબઈનું મોમેન્ટમ બગડી ગયું.
હાર્દિક પંડ્યાની ખરાબ કેપ્ટન્સી
હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે ઘણા નિરાશ કર્યા. હાર્દિકના કેટલાક નિર્ણયો ચોંકાવનારા રહ્યા. એક મેચમાં હાર્દિક પંડ્યાએ બોલિંગની શરૂઆત 17 વર્ષનાં ફાસ્ટ બોલર ક્વેના મફાકા પાસેથી કરાવી, જે ટીમ માટે ખૂબ જ ઘાતક નિર્ણય સાબિત થયો. મફાકાએ તે મેચમાં 66 રન આપ્યા હતા. હાર્દિકે ટીમના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રિત બુમરાહનો પણ યોગ્ય ઉપયોગ ન કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બાકીની ત્રણ ઓવર ફેંકી, જ્યારે સનરાઇઝર્સ ટીમે સ્કોરબોર્ડ પર ઘણા રન બનાવી લીધા હતા. યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસને માત્ર બે મેચ રમવાની તક મળી, જ્યારે અર્જુન તેંડુલકર એક પણ મેચ રમી શક્યો નહોતો.
- Advertisement -
હાર્દિક પંડ્યાનું પોતાનું પ્રદર્શન
હાર્દિક પંડ્યાનું પોતાનું પ્રદર્શન પણ ઘણું ખરાબ રહ્યું. હાર્દિકે 12 મેચમાં 19.80ની એવરેજથી 198 રન બનાવ્યા છે. આ દરમિયાન હાર્દિકનો સ્ટ્રાઈક રેટ 147.76 રહ્યો. કેટલીક મેચોમાં, હાર્દિકે નિર્ણાયક સમયે તેની વિકેટ ગુમાવી, જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ. બોલિંગની વાત કરીએ તો, હાર્દિકે ચાલુ સિઝનમાં 10.58ના નબળા ઇકોનોમી રેટથી અત્યાર સુધીમાં 11 વિકેટ ઝડપી છે.
રોહિત-ઈશાનનું ફોર્મ
પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ સિઝનના બીજા હાફમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં. રોહિત શર્માએ પ્રથમ 7 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે પછી હિટમેનનું ફોર્મ બગડવા લાગ્યું. શરૂઆતની 7 મેચમાં રોહિતે 297 રન બનાવ્યા હતા અને તેની એવરેજ 49.5 હતી. રોહિતે વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં અણનમ સદી ફટકારી હતી. પરંતુ છેલ્લી 5 મેચમાં રોહિત માત્ર 33 રન જ બનાવી શક્યા. જેમાં રોહિતની બેટિંગ એવરેજ 6.60 રહી. ઓપનર બેટ્સમેન ઈશાન કિશન પણ તેટલું સારું પ્રદર્શન કરી શક્યો નથી. ઈશાને 12 મેચમાં 22.16ની એવરેજથી 266 રન બનાવ્યા. આ દરમિયાન, તેણે માત્ર એક જ વખતે 50 રનનો આંકડો પાર કર્યો. જો રોહિત-ઈશાને થોડા વધુ રન બનાવ્યા હોત તો મુંબઈ વધુ સારી સ્થિતિમાં હોત.
બુમરાહે તાકાત બતાવી, પરંતુ…
જસપ્રીત બુમરાહ સિવાય મુંબઈ ઇન્ડિયન્સના અન્ય બોલરો વર્તમાન સિઝનમાં કંઈ ખાસ કરી શક્યા નથી. બુમરાહે 12 મેચમાં 6.20ના શાનદાર ઇકોનોમી રેટથી 18 વિકેટ લીધી છે. ગેરાલ્ડ કોએત્ઝીએ પણ 13 વિકેટ લીધી હતી, પરંતુ તેણે 10.17ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સની સ્પિન બોલિંગ આ સિઝનમાં કંઈ ખાસ રહી નથી. પિયુષ ચાવલાએ 9 મેચ રમીને આઠ વિકેટ લીધી છે. જ્યારે શ્રેયસ ગોપાલે ત્રણ મેચ રમીને માત્ર ત્રણ વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ નબીએ 7 મેચમાં બે વિકેટ લીધી.