નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ – અનુષ્ઠાનનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો
દેશમાં જવલ્લે જ કદાચ આવી ઘટના આકાર પામી છે જ્યાં એક મુખ્યમંત્રી પોતાનાં શાસનનાં પાંચ વર્ષની ઉજવણી કરવા ને બદલે લોકસેવાનું અનુષ્ઠાન માંડી ને બેઠા છે. અને આ વિશિષ્ટ અભિગમ જ તેમને અતિ વિશિષ્ટ મુખ્યમંત્રી બનાવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ – અનુષ્ઠાનનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પુરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર – ૨૦૨૨ પહેલા રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધીરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે. આ સેવાયજ્ઞ દરમિયાન લોકો પાસે જઈને લોકોનો વિશ્વાસ વધુ દૃઢ કરવો છે કે, પાંચ વર્ષ પહેલાં આપણે જે કહ્યું હતું તેનાથી અનેક ગણું વધુ આપણે કરી બતાવ્યું છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ ‘જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારના પાંચ વર્ષની પૂર્ણતા પ્રસંગે ચોથી ઓગસ્ટ – નારી ગૌરવ દિવસે મુખ્યમંત્રી એ રાજ્યમાં મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ યોજનાઓનો વડોદરાથી પ્રારંભ કરાવ્યો. આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના ૧૪ હજાર મહિલા ગ્રૃપોની (JLESG) એક લાખ મહિલાઓને રૂ. ૧૪૦ કરોડની વગર વ્યાજની લોનનું વિતરણ કરવા સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું ડીઝીટલી લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું કે, જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે. આજે એનું સરવૈયું જનશક્તિ સમક્ષ મુકવાનો અવસર છે. રાજ્ય સરકારનો કાર્યમંત્ર રહ્યો છે સૌનો સાથ-સૌનો વિકાસ અને એમાં આ વખતે આપણે એવી કરી બતાવ્યું કે સૌના સાથથી, સૌનો વિકાસ. એટલે વિકાસની આ પ્રક્રિયા પરસ્પરના સાથ, સહયોગ અને સહકાર વિના શક્ય નથી. આપણે ગુજરાતમાં સૌના સાથથી, સૌનો વિકાસ કર્યો છે.
- Advertisement -
નારીશક્તિનું મહિમામંડન કરતા CM રૂપાણીએ કહ્યું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, નારીમાં રહેલી શક્તિની ઉપાસના કરીએ છીએ. નારીમાં રહેલી ઊર્જાની આરાધના કરીએ છીએ. ગુજરાતની નારી એટલે અબળા નહીં પણ તેજસ્વિતાનું અને ઊર્જાનું પ્રતીક છે. પરંપરાઓથી, સંસ્કારથી આપણે મહિલાને માનભર્યું સ્થાન આપ્યું છે. મહિલા પુરુષ સમોવડી નહીં, હવે ગુજરાતની મહિલા પુરુષ કરતાં પણ વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન કરી વિવિધ ક્ષેત્રમાં સમાન તકો આપી છે. રાજ્ય સરકારની લોકોપયોગી, જનહિતકારી અને પ્રજાલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો નારી ગૌરવને સમર્પિત છે. જાપાનના ટોકીયોમાં ચાલી રહેલી ઓલેમ્પિક ગેમ્સમાં આપણા ગુજરાતની છ મહિલા રમતવીરો દેશનું પ્રતિનિધિત્વ વિવિધ રમતોમાં કરે છે. એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને સમાન હક્કો અને સમાન દરજ્જો અપાયા છે તેમ કહેતા CM રૂપાણીએ જણાવ્યુંકે, શાસનમાં મહિલાઓ સરખી હક્કદાર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા તક આપવામાં આવી છે, આજે મહિલાઓ માત્ર ઘર નથી ચલાવતી, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસનધૂરા પણ મહિલાઓના હાથમાં છે. તાજેતરમાં દોઢ લાખથી વધારે યુવાનોને કાયમી સરકારી નોકરી આપી છે તેનો સગૌરવ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમાં ૩૩ ટકા જગ્યા મહિલાઓ માટે સુનિશ્ચિત કરવામાં આવી છે.
ગુજરાતમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. તે પૈકીની ૧૮૯ યોજનાઓ સંપૂર્ણ રીતે મહિલાઓ માટેની યોજનાઓ છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભૂમિકા સપષ્ટ કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આપણે ગુજરાતની બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ આપી હતી. આ યોજના અંતર્ગત રાજ્યમાં દસ હજાર સખીમંડળોની રચના કરવામાં આવી છે. મહિલાઓ વિનાવ્યાજે બેંકમાંથી લોન-ધિરાણ મેળવે તેવી આ દેશની પ્રથમ યોજના છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ જોઇન્ટ લાયેબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ ગૃપના આખી દુનિયાના નવતર કોન્સેપ્ટ સાથે સુસંગત ઐતિહાસિક પહેલ છે. બાંગ્લાદેશના મહોમ્મદ યુનુસે આપેલામાઇક્રો ફાયનાન્સના ખ્યાલ કરતા પણ વધુ સારી રીતે આ યોજનાને બનાવવામાં આવે છે. જે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે. આ યોજના મહિલાઓને પગભેર કરવાના લક્ષ્ય સાથે શરૂ કરી છે.


