ગુજરાત ATS દ્વારા મુફ્તી અઝહરીને અમદાવાદ લાવ્યા બાદ જૂનાગઢ જવા રવાના
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીને ગુજરાત અઝજએ ઘાટકોપરથી દબોચી લીધો હતો. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત અઝજ અને જૂનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં અઝજના હેડક્વાર્ટર લાવી છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફતી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવા રવાના થઈ છે.
જૂનાગઢમાં મૌલાના ભડકાઉ ભાષણ મામલે એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગઈ 31 જાન્યુઆરીના નરસિંહ સ્કૂલના મેદાનમાં નશામુક્તિના નામે 8થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશામુક્તિ અને સામાજિકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મૌલાનાએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વયમન્સ્ય ફેલાય, તંગદીલી ઉભી થાય અને રાગદ્વેષ ઊભા થાય તેવા પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, આ ભડકાઉનો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈ તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 153 (ખ), 505 (જે), 188 અને 114ની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે આ કાર્યક્રમના સ્થાનિક આયોજક મહમંદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરાને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા અને બીજા આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈ જે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈ જૂનાગઢ તેમજ આસપાસના જિલ્લામાં કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ મામલે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એટીએસની અને જૂનાગઢની ટીમ દ્વારા આરોપી મૌલાના સલમાન અઝહરીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે અને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને મુંબઈથી જૂનાગઢ લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ભડકાઉ ભાષણ મામલે તપાસ જૂનાગઢ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જૂનાગઢ એલસીબી દ્વારા આરોપીને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢની જનતા ક્યાંય એકઠી ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા પોલીસ વાહન ચેકિંગ અને તકેદારી હાથ ધરવામાં આવી છે. આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસન મુક્તિ કાર્યક્રમ અને જાહેરસભામાં મુંબઈના મુફ્તી અઝહરીને બોલાવાયા હતા અને તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાંક અંશો તરત જ વાયરલ થયા હતા.
કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી નહીં
સમગ્ર મામલે એસ.પી. હર્ષદ મહેતાએ મીડિયાના માધ્યમથી તમામ લોકોને અપીલ કરી હતી કે, આ ઘટના મામલે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે કોઈ પણ લોકો આ મામલે સોશિયલ મીડિયાના વીડિયો કે તેના વિશેની કોઈ પણ કોમેન્ટ ન કરે અને ઉશ્કેરણી કરી વાતાવરણ ન ડહોળવા અપીલ કરી છે. જો કોઈ પણ વ્યક્તિ આ મામલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે લોકોએ આ મામલે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી નહીં તેવી લોકોને અપીલ કરી હતી.