ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સર્જાયેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ મ્યુ. કમિશનર આનંદ પટેલના સ્થાને દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો. જોકે આ પછી ગઈકાલે જ પ્રથમ વખત નવનિયુક્ત મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈની શહેરનાં નગર સેવકો સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. મ્યુ. કમિશનર કચેરીના સ્ટેન્ડિંગ હોલમાં યોજાયેલી આ બેઠકમાં મોટા ભાગના કોર્પોરેટરો દ્વારા સીલ ખોલવાની કામગીરી વધુ ઝડપી કરવા રજૂઆતો કરવામાં આવી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનરે શનિવાર સુધીમાં હંગામી ધોરણે સીલ ખોલવા ખાતરી આપી હતી. જોકે તેમાં ફાયર સેફટી બાદ જ વ્યવસાય કરી શકાશે. તેવું મ્યુ. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ આ બેઠકમાં નગરસેવકો દ્વારા સીલ ખોલવા માટેની ધીમી ગતિએ કામગીરી થતી હોય તેમાં સુધારા માટે રજૂઆતો આવી હતી. હાલ શહેરમાં 500 જેટલી મિલકતોમાં સીલ લાગેલા છે. તેને હંગામી ખોલી આપવા માટે માગ કરાતા મ્યુ. કમિશનરે શનિવાર સુધીમાં હંગામી ધોરણે સીલ ખોલી આપવા ખાતરી આપી હતી. જોકે તેમાં ફાયર સેફટી બાદ જ વ્યવસાય કરી શકાશે. આ તકે મનપા કમિશનર દ્વારા નગર સેવકો સાથે શહેરના અન્ય પ્રશ્નોની પણ ચર્ચાઓ થઈ હતી. જેમાં તેમણે વોટર વર્કસની કામગીરી અંગે વિગતો જણાવી હતી. પાણીના લાઈન નેટવર્ક અંગે પણ સુધારાની આવશ્યકતા જણાવી હતી. તેમજ શહેર ભાજપ પ્રમુખની સહિત 44 નગરસેવકોએ હાજરી આપી હતી અને ટીપીનાં કામો ઝડપથી કરવા, સફાઈ માટેની કામગીરી સઘન કરવા, ગંદકી મુદ્દે લાગતા સીલમાં અતિશયોક્તિ થતી હોવા સહિતની રજુઆતો મુકવામાં આવી હતી. આ તમામ મુદ્દે મ્યુ. કમિશનરે યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
તમામ વિભાગોની બેકલોગની ફાઈલોનો ઝડપથી નિકાલ થશે તેવી ખાતરી આપી હતી.