નવરાત્રીમાં ગરબે રમવાથી ખુબ જ ઉર્જા મળે છે : રૂબી યાદવ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં સોરઠીય શ્રીગૌડ માળવીચ બ્રહ્મ સેવા સમિતિના ઉપક્રમે યોજાયેલા નવરાત્રી રાસોત્સવમાં મીસીસ યુનિવર્સ રૂબી યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.દીકરીઓ સાથે રાસની રમઝટ કરી હતી. આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે, કાઠિયાવાડ – સૌરાષ્ટ્રના રાસ ગરબા પુરા દેશમાં ખુબ જાણીતા છે. કાઠિયાવાડના પરંપરાગત પહેરવેશ સાથેના ગરબા હવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો તેમજ વિદેશમાં પણ ધુમ મચાવે છે. નવરાત્રી જેવા પાવન પર્વે જૂનાગઢમાં આવી માતાજીની આરાધના સાથે દીકરીઓ સાથે રાસ રમવાથી ખુબ ઉર્જા મળી છે. આ પ્રસંગે તેમની સાથે જૂનાગઢના વરિષ્ઠ મહિલા અગ્રણીઓ નીરૂબેન કાંબલીયા, જ્યોતિબેન વાછાણી પણ ઉપસ્થિત રહ્યા હતાં. સમિતિના મહિલા આગેવાનો સીતાબેન દવે, પ્રતિભાબેન પુરોહિત અને જાગૃતિબેન પુરોહિત સતત તેમની સાથે રહ્યા હતાં. આ પ્રસંગે સમિતિના પ્રમુખ શૈલેષ દવે, વરિષ્ઠ આગેવાન ધીરૂભાઈ પુરોહિત, શનતભાઈ પંડ્યા, આકાશ દવે, કેતન ભટ્ટ સહિતના અગ્રણી કાર્યકરોએ તેમનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત રૂબી યાદવ આહિર સમાજ દ્વારા યોજાયેલ ગરબીમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં અને રાસ રમતી બાળાઓને બિરદાવી હતી. ત્યાર ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના નિવાસસ્થાને યોજાયેલ ભોજન સમારોહમાં રૂબી યાદવ ઉપસ્થિત રહ્યા હતાં.