સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું, રાજપુત કરણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન થયું છે.
રાજપુત કરણી સેનાના હોદ્દેદારો અને સભ્યો તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં સમાજવાદી પાર્ટીના સાંસદનું રાજ્યસભા સભ્યપદ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.
દેશભરમાં વિવિધ રાજ્યોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ સાંસદની ટિપ્પણી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. રાજપુત કરણી સેના અને અન્ય સામાજિક સંગઠનોએ આ મુદ્દે એકજૂટતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, 21 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રામજીલાલ સુમને મહારાણા સાંગાને ’ગદ્દાર’ જેવા શબ્દોથી સંબોધ્યા હતા. આ ટિપ્પણીને લઈ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.