રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ ગાઝિયાબાદમાં બ્રહ્મસમાજના પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કર્યું
ઉત્તરપ્રદેશમાં હાલમાં ચૂંટણીનો ભારે રસાકસીવાળો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલાં ભાજપ પોતાની સંપૂર્ણ તાકાત લગાવવાની તૈયારી કરી રહ્યું છે. અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ યુ.પી.માં પ્રચારનો ધમધમાટ જમાવ્યો છે ને જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ પાર્ટી દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં રામભાઈ મોકરીયા, સાંસદ મહેશ શર્મા, ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર શિવપ્રતાપ શુક્લા, ડો. મહેશ શર્મા અને યુ.પી. મોરચાના પૂર્વ મહામંત્રી અભિજાત શર્માને શીરે પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપવામાં આવી છે.
ગઈકાલે ચૂંટણીના પ્રચાર અર્થે ગાજીયાબાદ અને ગ્રેટર નોઈડા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું. જ્યાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ બ્રહ્મ સમાજના પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરી ગોષ્ઠિ કરી હતી તથા ભાજપના શાસનમાં થયેલ વિકાસ કાર્યોની માહિતી આપી હતી.
- Advertisement -
આ ઉપરાંત આજરોજ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન રામભાઈ મોકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘યુ.પી.ના જુદા-જુદા વિસ્તારોમાં નાગરિકોમાં ભાજપનો પ્રચાર કરવાનો સાથે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી 100થી 200 લોકોની સંખ્યા મર્યાદામાં પ્રચાર કરવામાં ચાર સભ્યોની કમિટીની નીચે અન્ય 30 ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક લોકોને દસ-દસ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી છે.’ આમ યુ.પી.માં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામે- તમામ કાર્યકરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.


