52 ગજની ધ્વજા, 21 કુંડ યજ્ઞ અને ભવ્ય લોકડાયરાનું આયોજન; કીર્તિદાન ગઢવી અને પી.એમ. ગઢવીની દેખરેખ હેઠળ હજારો માઈભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે આવેલા પૌરાણિક શ્રી મોગલધામ ખાતે આસો સુદ તેરસના પવિત્ર દિવસે મોગલ માતાજીનો પ્રાગટ્ય દિવસ ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ શ્રદ્ધા ધરાવતા ’મોગલ છોરુઓ’ સવારથી મોડી રાત સુધી મોટી સંખ્યામાં માતાજીના દર્શને ઉમટ્યા હતા.
ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટ: પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોગલધામ ખાતે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી, જેમાં: 52 ગજની નૂતન ધ્વજારોહણ, સામૈયાં, 21 કુંડ યજ્ઞ, મહા આરતી, દાંડિયા રાસ, મહાપ્રસાદ, રાત્રે ભવ્ય લોકડાયરો લોકડાયરામાં સૂર અને દાનની સરવાણી: રાત્રે યોજાયેલા લોકડાયરામાં ખ્યાતનામ કલાકારો રાજભા ગઢવી, સાગરદાન ગઢવી ઉપરાંત અન્ય નામાંકિત કલાકારોએ પોતાની વાણીથી માતાજીના ગુણગાન ગાયા હતા. આ ધાર્મિક પ્રસંગે દાતાઓએ ઉદાર હાથે લાખો રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.
- Advertisement -
ટ્રસ્ટની વ્યવસ્થા અને શ્રદ્ધા: આ મોગલ ધામમાં કાયમ માટે તાલુકાનું સૌથી મોટું અન્નક્ષેત્ર કાર્યરત છે, જ્યાં બપોરે અને સાંજે હજારો માઈભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી અને ઉપપ્રમુખ તરીકે ખંભાળિયાના પી.એમ. ગઢવી દેખરેખ રાખી રહ્યા છે, જેમની આગેવાની હેઠળ રહેવા-જમવાની સુંદર વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. માતાજી પ્રત્યેની અપાર આસ્થાને કારણે લાખો-કરોડો રૂપિયાના દાનની સરવાણી અહીં સતત ચાલુ રહે છે.
મોગલ માતાજીનું ધાર્મિક મહત્વ એટલું બધું છે કે દર મંગળવારે તાલુકાભરમાંથી હજારો લોકો પગપાળા દર્શને આવે છે. પ્રાગટ્ય દિવસે પણ સવારથી મોડી રાત સુધી માઈભક્તોની લાંબી કતારો દર્શન માટે જોવા મળી હતી.