ઠંડી વધતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને DEOએ શાળા સંચાલકોને કર્યો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં શિયાળાની શરૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનું જોર ખૂબ વધ્યું છે. બુધવારે રાજકોટનું 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે જે શાળાઓ સવારની પાળીમા શૈક્ષણિક કાર્ય ચલાવે છે તેનો સમય 30 મિનિટ મોડો કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ બુધવારે આદેશ કર્યો છે. ઠંડીનું જોર વધતા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ શહેર અને જિલ્લાના તમામ શાળા સંચાલકોને સવારની પાળીની શાળાનો સમય 30 મિનિટ મોડો કરવા સૂચના આપી દીધી છે. હવે જે શાળા સવારે 7.10 કલાકે શરૂ થતી હતી તે શાળાનો સમય હવે 7.40 કલાકનો રહેશે.
બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ સવારની પાળીઓમાં ચાલતી સ્કૂલનો શૈક્ષણિક કાર્ય શરૂ થવાનો સમય ઠંડીના 40-45 દિવસ સુધી સવારે ‘બે કલાક’ મોડો કરવો જોઈએ. ઘણા વાલીઓ બાળકો ઠંડીમાં બીમાર ન પડે એ બીકથી શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે. રાજકોટમાં કડકડતી ઠંડીમાં શાળાઓના સમયમાં જિલ્લા શિક્ષણાધિકારીએ ફેરફાર કર્યો છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે બુધવારે સાંજે શહેર અને જિલ્લાના તમામ શાળા સંચાલકોને સવારની પાળીનો સમય 30 મિનિટ મોડો કરવા આદેશ આપ્યો હતો.