સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સાફસુફી થશે: માર્ગો પરના નડતરરૂપ દબાણોને હટાવવા પ્રાંત અધિકારીઓને આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી સરકારી જમીનો ઉપર અનઅધિકૃત રીતે દબાણો ખડકાવાનો સીલસીલો શરૂ રહેવા પામ્યો છે. જેમાં 2000થી વધુ ધાર્મિક દબાણો ખડકાયા છે. આવા દબાણો સામે વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે અને તેની સાફસૂફી માટે તખ્તો તૈયાર કરી નાખવામા આવેલ છે. આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા પણ દબાણકારોને નોટીસો ફટકારવા માટે પ્રાંત અધિકારીઓને આદેશ કરી દેવામાં આવેલ છે.
- Advertisement -
આ મામલે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે જણાવ્યુ હતુ કે જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો પૈકીના 2000થી વધુ ધાર્મિક દબાણો હોવાનુ ખુલ્યુ છે. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આ દબાણોને હટાવવા માટેની કામગીરી હાથ ધરવામા આવશે. આવા દબાણો દૂર કરવા ત્રણ પ્રકારની ફોમ્ર્યુલાથી કામગીરી કરવામાં આવશે. જેમાં માર્ગો ઉપરના દબાણો હટાવાશે.
જે દબાણો રેગ્યુલાઈઝ થતા હોય તો તેને રેગ્યુલાઈઝ કરવા માટે કાર્યવાહી કરાશે. આ ઉપરાંત દબાણકારોને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સમજાવટથી પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી થશે.
કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં જયાં જયાં ધાર્મિક દબાણો ખડકાયા છે. આવા દબાણોને નોટીસો આપવા માટે તેઓએ નોટીસો ફટકારવાની સૂચના પ્રાંત અધિકારીઓને આપી દીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ખડકાયેલા દબાણોની સર્વે કામગીરી કરવામા આવી હતી.
જે મુજબ રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રેવન્યુ તંત્ર, ફોરેસ્ટ, જિલ્લા પંચાયત સહિતની સરકારી જમીનો ઉપર બે હજારથી વધુ ધાર્મિક દબાણો ખડકાયાનો રીપોર્ટ આવ્યો હતો.
તાજેતરમાં ગીર સોમનાથ તેમજ બેટ દ્વારકામાં પણ વહીવટીતંત્ર દ્વારા ધાર્મિક દબાણોની સાફસૂફી કરવામા આવી હતી જેમાં સોમનાથમાં સૌથી મોટુ ડીમોલીશન કરાતા આ મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચેલ છે. દરમ્યાન હવે રાજકોટ જિલ્લામાં પણ માર્ગો ઉપર ખડકાયેલા ધાર્મિક દબાણોની સાફસૂફી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા તખ્તો તૈયાર કરી દેવામા આવેલ છે અને દબાણકારોને નોટીસો ફટકારવા માટે આદેશ આપી દેવામા આવ્યો છે.