હાલ આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓમાં દેશભક્તિની મશાલ પ્રજ્વલિત કરતા અભિયાન “મારી માટી મારો દેશ”નો પ્રારંભ કરાવ્યો છે, જેને દેશભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ આ અભિયાનમાં 21 ઓગસ્ટ સુધીમાં પોણો લાખ કરતાં પણ વધુ નાગરિકો જોડાઈ ચૂક્યા છે અને 1.14 લાખથી પણ વધુ સેલ્ફી અપલોડ થઈ છે. આ અભિયાન અંતર્ગત નાના ગામડાથી લઈને રાજકોટ મહાનગર સુધી દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાયા છે.
રાજકોટ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં 9મી ઓગસ્ટથી “મારી માટી મારો દેશ” અભિયાનનો પ્રારંભ થતાં દેશભક્તિપૂર્ણ માહોલ છવાયો હતો. અનેક લોકો ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. 21મી ઓગસ્ટ સુધીમાં કુલ મળીને 594 ગ્રામ પંચાયતો, 11 તાલુકા પંચાયતો, 6 નગર પાલિકાઓ તથા 1 મહાનગર પાલિકામાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. જેમાં કુલ મળીને 614 શિલાફલકમ રોપણ થયું છે. જ્યારે 76,739 લોકોએ પંચપ્રાણ પ્રતિજ્ઞાઓ લીધી છે.
- Advertisement -
“મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં 1,14,992 સેલ્ફી અપલોડ થઈ છે, જ્યારે 623 અમૃત વાટિકાઓનું સર્જન થયું છે. લોકોએ આ અવસરે નોંધપાત્ર વૃક્ષારોપણ કર્યું છે અને 47,088 રોપાઓનું વાવેતર થયું છે.
આ દેશની આઝાદી માટે જંગ લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશની સીમાઓ પર ચોકી કરીને દેશવાસીઓને સુરક્ષિત રાખનારા સૈન્યના જવાનો, શહીદો, તેમના પરિવારો, કાયદો-વ્યવસ્થા માટે ફરજ દિવસ-રાત ફરજ બજાવતા પોલીસ જવાનોના પણ અદકેરા સન્માન થયા હતા. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આવા 996 વીરો અને તેમના પરિવારોનું સન્માન કરાયું છે.
“મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત 15મી ઓગસ્ટે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં રાજકોટ જિલ્લામાં 77,927 લોકો જોડાયા હતા અને ગૌરવ સાથે ધ્વજારોહણ કરીને રાષ્ટ્રગાનમાં ભાગ લઈને દેશભાવના વ્યક્ત કરી હતી.
- Advertisement -
આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લામાં કુલ મળીને 14,608 ગ્રામ પંચાયતો, 248 તાલુકા પંચાયતો, 157 નગર પાલિકાઓ તથા આઠ મહાનગર પાલિકાઓમાં દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 15,136 શિલાફલકમનું રોપણ થયું છે, જ્યારે 21,28,105 લોકોએ પંચપ્રાણ પ્રતિજ્ઞાઓ લીધી છે. અત્યાર સુધીમાં 15,58,166 સેલ્ફીઓ અપલોડ થઈ છે, જ્યારે 16,336 અમૃત વાટિકાઓનું નિર્માણ થયું છે. 29,925 વીર જવાનો અને તેમના પરિવારોનું સન્માન કરાયું છે.