ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને મત ન આપવા માટે ઈવીએમમાં નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, ત્યારથી દેશભરમાં મતદારોના એક અલગ-અલગ વલણો જોવા મળી રહ્યા છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નોટામાં 1.06 ટકા મત પડ્યા હતા. તો વર્ષ 2014માં 1.08 ટકા મત પડ્યા હતાં. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં બિહાર સહિત ઘણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પદેશોમાં મોટી સંખ્યામાં નોટામાં મત પડ્યા હતા.
- Advertisement -
આ રાજ્યોમાં સૌથી વધુ મત નોટામાં પડ્યા
વર્ષ 2019માં લગભગ 1.06% મતદારોને લાગ્યું કે કોઈ ઉમેદવાર તેમના મતને લાયક નથી અને તેમણે નોટાનું બટન દબાવ્યું. 2019ની લોકસભા ચૂંટણી છ અઠવાડિયા સુધી ચાલી હતી અને લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ અનુસાર, 2019માં મતદાનની ટકાવારી 67.11 ટકા હતી. આ ચૂંટણીમાં સૌથી વધુ લોકોએ આસામ અને બિહારમાં 2.08 ટકા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું, જ્યારે સિક્કિમમાં સૌથી ઓછું 0.65 ટકા નોટામાં મત પડ્યા હતા.ત્યારબાદ આંધ્ર પ્રદેશમાં 1.54 ટકા અને છત્તીસગઢમાં 1.44 ટકા નોટામાં મત પડ્યા હતા. જો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દમણ અને દીવમાં સૌથી વધુ 1.70 ટકા મત નોટામાં પડ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 65.2 લાખ મત નોટામાં પડ્યા હતા, જેમાંથી 22,272 મત પોસ્ટલ બેલેટ હતા.
લોકસભા ચૂંટણી 2014માં દેશમાં 59,97,054 મતદારોએ નોટોનો વિકલ્પ પસંદ કર્યો હતો. વર્ષ 2014માં મેઘાલયમાં સૌથી વધુ 2.8 ટકા મત નોટામાં પડ્યા હતા. આ પછી છત્તીસગઢ 1.8 ટકા અને ગુજરાતમાં 1.7 ટકા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો પુડુચેરીમાં સૌથી વધુ 3.01 ટકા મત નોટામાં મત પડ્યા હતા અને દેશમાં કુલ 60.2 લાખ મત નોટામાં પડ્યા હતા.
- Advertisement -
છેલ્લા પાંચ વર્ષમાં 1.29 કરોડ મત નોટામાં પડ્યા
એક અહેવાલ અનુસાર, વર્ષ 2018થી 2022ની વચ્ચે પાંચ વર્ષમાં રાજ્ય અને લોકસભા ચૂંટણીઓમાં અંદાજે 1.29 કરોડ મત નોટામાં પડ્યા હતા. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 64.53 લાખ મત નોટામાં પડ્યા હતા. કુલ 65,23,975 (1.06 ટકા) મત નોટામાં પડ્યા હતા.
નોટાની શરૂઆત ક્યારે થઈ?
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચૂંટણી માટે ઈવીએમમાં નોટાનું બટન ઉમેદરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતની ચૂંટણીઓમાં નોટાની રજૂઆત કરવામાં આવી હતી. પક્ષોને નાપસંદ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા અટકાવવા માટે નોટાનો વિકલ્પ દાખલ કરવાની જરૂરિયાત પડી હતી.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બેલેટ પેપર/ઇવીએમમાં જરૂરી જોગવાઈઓ કરવા નિર્દેશ આપ્યો હતો, જેથી મતદારો મેદાનમાં રહેલા કોઈપણ ઉમેદવારને મત ન આપવાનો નિર્ણય લઈ શકે. સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચૂંટણી પંચે મતદાન પેનલ પર છેલ્લા વિકલ્પ તરીકે ઈવીએમમાં નોટાનું બટન ઉમેર્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પહેલાં જે લોકો કોઈપણ ઉમેદવારને મત આપવા તૈયાર ન હતા તેમની પાસે ફોર્મ 49-O ભરવાનો વિકલ્પ હતો.