આવતીકાલે 20 માર્ચ: ‘વિશ્ર્વ ચકલી દિવસ’
અશ્ર્વિનભાઈની પાનની દુકાન એટલે ચકલીઓની કોલોની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.19
ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના દેદા ગામે પાન-કરિયાણાની દુકાન ધરાવતાં અશ્ર્વિનભાઈ બારડની દુકાન ‘પરિશ્રમ પાન સેન્ટર’ એટલે જાણે ચકલીઓનું ઘર, પિયર, તીર્થ, આવાસ કોલોની. હાલ પણ દુકાનના છાપરાના હુકમાં પુંઠાના માળા, ચણ, પાણીની સુવિધા સાથે 60થી પણ વધુ માળાઓ કતારબંધ ફ્લેટની જેમ ગોઠવાયેલા છે. જેમાં અંદાજે 120થી 150 જેટલી ચકલીઓ વહેલી સવારે છ વાગ્યે ફર-ફર કરતી આજુબાજુના વિસ્તારો અને ખેતરો તરફ ઊડી જાય છે અને સાંજે પાછી ઘેર માળામાં આવે છે. અશ્ર્વિનભાઈ અને અજયભાઈ કહે છે, કેટલીક વાર તો દુકાનમાં અમે ઘરાકોનું પાન બનાવતાં હોઈએ ત્યારે પાન પલાળવાની કુંડીના કાંઠે ચકલી બેસી પણ જાય. અમોએ દુકાનની છાપરાના ઢાળની થાંભલીઓ ઉપર આ માળા તો ટીંગાડ્યા છે પરંતુ પક્ષીઓને પાણી પીવા દુકાનમાં કુલ છ નાની કુંડીઓ અને ચણવા માટે દાણા નાખી ત્રણ-ચાર ડીશ પણ મૂકી છે.
‘તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઘાડું,
મારે ફળીયે ચકલી બેસે તે જ મારું રજવાડું’
20 માર્ચ, 2010ના રોજ ‘વિશ્ર્વ ચકલી દિવસ’ ઉજવવાનો પ્રારંભ થયો. જેની ભારતમાં ધ નેચર ફોર એવર સોસાયટીએ આંતરરાષ્ટ્રીય પહેલ શરૂ કરી અને આ સોસાયટીના મહમદ દિલાવરે નાસિકમાં ચકલીઓને મદદ કરવા માટેનું કાર્ય કર્યું, જેને માટે ‘ટાઈમ’ મેગેઝીને વર્ષ 2008ના હિરોઝ ઓફ એન્વાયરમેન્ટ તરીકે બિરદાવ્યો હતો.