ખાસ-ખબર ન્યૂઝ મોરબી
શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે મોરબી જિલ્લામાં શ્રાવણ શરૂ થાય તે પહેલા જ સિઝનનો 55% કરતા વધુ વરસાદ વરસી ગયો છે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં મોરબી જિલ્લામાં મેઘરાજા પોતાનો અસલી મિજાજ દેખાડતા હોય છે, પરંતુ આ વર્ષે વહેલો અને નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના કારણે જળસંકટ મહદઅંશે સમાપ્ત થયું છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ વાંકાનેર તાલુકાના વડસર ખાતે નોંધાયો છે, જ્યાં 351 મીમી (લગભગ 64.40%) વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાઓમાં માળિયામાં 43.57%, મોરબીમાં 56.01%, ટંકારામાં 56.63% અને હળવદમાં 54.12% જેટલો વરસાદ વરસી ગયો છે.
જિલ્લાના 10 મુખ્ય ડેમ પૈકી કુલ 10,829 ખઈઋઝ ક્ષમતા સામે હાલમાં 5,912 ખઈઋઝ પાણીનો સંગ્રહ થયો છે. આંકડા મુજબ:
મચ્છુ 1 ડેમ: 2435 ખઈઋઝ ક્ષમતા સામે 1579 ખઈઋઝ (64.84%) ભરાયેલ છે, જે વાંકાનેર તાલુકા અને આસપાસના ગામો માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
મચ્છુ 2 ડેમ: 3104 ખઈઋઝ ક્ષમતા સામે 1199 ખઈઋઝ (38.62%) ભરાયેલ છે.
મચ્છુ 3 ડેમ: 282 ખઈઋઝ ક્ષમતા સામે 191 ખઈઋઝ ભરાયેલ છે.
ડેમી 1 ડેમ (ટંકારા): 783 ખઈઋઝ ક્ષમતા સામે 69 ખઈઋઝ (8.80%) ભરાયેલ છે.
ડેમી 2 ડેમ (ટંકારા): 753 ખઈઋઝ ક્ષમતા સામે 226 ખઈઋઝ (29.98%) ભરાયેલ છે.
ઘોડાધ્રોઈ ડેમ (મોરબી): 243 ખઈઋઝ ક્ષમતા સામે 228 ખઈઋઝ (93.79%) ભરાયેલ છે.
બંગાવડી ડેમ: 130 ખઈઋઝ ક્ષમતા સામે 12 ખઈઋઝ ભરાયેલ છે.
બ્રાહ્મણી ડેમ (હળવદ): 2060 ખઈઋઝ ક્ષમતા સાથે 100% ભરાયેલો છે.
બ્રાહ્મણી 2 ડેમ: 339 ખઈઋઝ ક્ષમતા સાથે 48.49% ભરાયેલો છે.
ડેમી 3 ડેમ (કોયલી નજીક): 339 ખઈઋઝ ની ક્ષમતા સામે માત્ર 9 ખઈઋઝ પાણી ભરાયેલ હોવાથી સાવ ખાલી છે.
ચોમાસાના દોઢ મહિનામાં સિઝનનો અડધોઅડધ વરસાદ વરસી ગયો હોવાથી જિલ્લાના 10માંથી 4 ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની પણ સ્થિતિ ઉદ્ભવી હતી. ગત વર્ષ જુલાઈ 2024 દરમિયાન લગભગ 50% જેટલો વરસાદ નોંધાયો હતો, જેમાં માળિયામાં 178 મીમી, મોરબીમાં 345 મીમી, ટંકારામાં 487 મીમી, વાંકાનેરમાં 205 મીમી અને હળવદમાં 243 મીમી વરસાદ નોંધાયો હતો. સમયસર અને પૂરતા વરસાદને કારણે મોરબી જિલ્લામાં ચોમાસું વાવેતર પણ સારું થયું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 2,98,800 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે, અને ચોમાસાનું ચિત્ર ઉજળું બને તેવા પૂરા સંજોગો વર્તાઈ રહ્યા છે. હજુ શ્રાવણ અને ભાદરવા મહિના બાકી હોવાથી આ વર્ષે મોરબીમાં ચોમાસાનો વરસાદ નવો રેકોર્ડ નોધાવી શકે છે.