રોબિન હૂડ આર્મી રાજકોટ દ્વારા આઝાદીના 78 વર્ષની અનોખી ઉજવણી
રોબિન હૂડ આર્મી: ઝીરો ફંડ સાથે 8 વર્ષથી નિ:શુલ્ક સેવા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
તાજેતરમાં આપણા દેશની આઝાદીને 78 વર્ષ પુરા થયા એ નિમિત્તે રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમ દ્વારા રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને મદદરૂપ થવા અને તેઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવા માટે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમ કોઈપણ પ્રકારે રૂપિયા-પૈસાનું દાન લીધા વિના (ઝીરો ફંડ) છેલ્લા આઠ વર્ષથી રાજકોટના જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાની નિ:શુલ્ક સેવા આપે છે.
આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે, રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમ દ્વારા ‘એક મુઠ્ઠી અનાજ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, નાગરિકો તેમજ રોબિન સભ્યો પાસેથી 5,100 કિલોથી પણ વધુ એકત્ર કરાયેલ ઘઉં, ચોખા અને અન્ય અનાજ સામગ્રીની કીટનું રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોના જરૂૂરીયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
રોબિન હૂડ આર્મીનું મુખ્ય લક્ષ્ય એ છે કે દરેક ભૂખ્યા સુધી ભોજન પહોંચે અને કોઈપણ વ્યક્તિ ભુખમરાથી પીડાય નહીં. રોબિન સભ્યોના જણાવ્યા મુજબ આ અભિયાન માત્ર સ્વતંત્રતા પર્વ નિમિત્તેની ફક્ત ભોજનસેવા જ નહિ, પરંતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ, બંધુત્વ અને અન્નદાનની ભાવનાને જીવંત રાખવાનો ઉત્સવ તેમજ દેશ અને સમાજ માટે પોતાની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવવાનો અવસર પણ છે.