જૂનાગઢ માળિયા હાટીનામાં રાજકીય ભૂકંપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની હાજરીમાં ભાજપના નાના-મોટા આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો આપમાં જોડાયા હોવાથી સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખના તાલુકા તરીકે ઓળખાતા માળિયા હાટીનામાં આ રાજકીય ફેરફારના ભણકારા વાગી રહ્યા છે. મળતી માહિતી મુજબ, રમેશ કોદાવલા સહિત સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ છોડીને આપનો ખેસ ધારણ કર્યો છે. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આગમન સમયે લોકોએ ’ગોપાલ મારે પારેણીયે ઝૂલે’ ગીત પર ઉમંગપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. લોકો સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેણે રાજકીય માહોલને ગરમાવી દીધો હતો. વિસાવદર બાદ હવે માળિયા હાટીનામાં પણ રાજકીય બદલાવના એંધાણ વર્તાય રહ્યા છે.
ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. આ જોડાણ પાછળના કારણોમાં મુખ્યત્વે ભાજપની ’યુઝ એન્ડ થ્રો’ની નીતિ સામેનો અસંતોષ છે. આક્ષેપો મુજબ, ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, વિકાસના મુદ્દાઓ પરની નિષ્ફળતા, મગફળીના પ્રશ્ર્નો અને નાના ખેડૂતોના હક જેવા મુદ્દાઓ પર ઈટાલિયાએ અવાજ ઉઠાવ્યો હતો. સ્થાનિક સ્તરે પાટીદાર સમાજમાં નવા જૂનીના એંધાણ પણ આ ઘટના સાથે જોડાયેલા છે. આ કાર્યક્રમમાં પ્રવીણ રામ અને રાજુભાઈ બોરખતરિયા સહિતના સ્થાનિક આપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે, જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ આગામી સમયમાં આ રાજકીય ઝટકાનું નુકસાન ઘટાડવા માટે નારાજ જૂથોને મનાવવાની કોશિશ કરશે કે પછી એકલા હાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. રાજકીય વલણો મુજબ, માળિયા હાટીના હવે સૌની નજરમાં આવ્યું છે અને આવનારી સ્થાનિક ચૂંટણી જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ માટે લોઢાના ચણા ચાવ્યા સમાન સાબિત થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.