ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે શ્રાવણ માસના ત્રીજા સોમવારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખૂલવાની સાથે સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દિવસભર મહાદેવને વિવિધ શૃંગાર કરાયા હતા. પૂજા,આરતી અને પાલખીયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિર સોમવારે સવારે 4 વાગ્યે ભાવિકોના દર્શન માટે ખોલાય છે. ત્યારે વહેલી સવારથી જ આસપાસના વિસ્તારોમાંથી તેમજ દેશ વિદેશમાંથી દર્શને આવતા ભાવિકો ઉમટી પડ્યા હતા.દર્શનાર્થીઓ સાનુકૂળ દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ મંદિર ઝેડ પ્લસ કેટેગરીમાં આવતું હોય જેના કારણે સુરક્ષા વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહે છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ હાથમાં ફૂલ, બિલિપત્રો અને ગંગાજળ લઈ અને પોતે ક્યારે દર્શન કરી શકશે તેની પ્રતીક્ષામાં કતારોમાં હર હર મહાદેવનો નાદ કરતા જોવા મળ્યા હતા. સોમનાથ મહાદેવને પ્રાત:પૂજન, આરતી બાદ સવારે 9 વાગ્યે પાલખીયાત્રા નીકળી હતી ત્યારે સ્વયં પ્રભુ નગરચર્યાએ નીકળ્યા હોઈ તેવા દ્રશ્ર્યો સર્જાયા હતા.ત્યારબાદ મધ્યાહન શૃંગાર અને મધ્યાહન આરતી તેમજ સાંજના સમયે દાદાને 50 હજાર રુદ્રાક્ષનો વિશેષ સાયં શ્રુગાર અને આરતી કરવામાં આવ્યા હતા.દિવસ દરમિયાન મહાદેવના 35 હજારથી વધુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સમગ્ર દિવસ દરમિયાન મહામૃત્યુંજય જાપ સહિત 1500 જેટલી પૂજા,42 સોમેશ્ર્વર મહાપૂજા નોંધાઈ અને 40 ઘ્વજાપૂજા નોંધાઈ હતી.



