વસ્તડીમાં મા ભવાનીધામના સાનિધ્યમાં ઈતિહાસ રચાયો
વજુભાઈ વાળાની અપીલને જબ્બર પ્રતિસાદ: ભવાનીધામના ભૂમિપૂજન કાર્યક્રમને ભવ્ય બનાવવા પણ હાકલ
વસ્તડી ખાતે નિર્માણ પામનાર મા ભવાનીધામના પાવનકારી સાનિધ્યમાં સમસ્ત રાજપૂત સમાજ દ્વારા પ્રથમવાર યોજાયેલ શસ્ત્રપૂજનના કાર્યક્રમને ભારે સફળતા મળી હતી. એકસાથે 35000થી વધારે રાજપૂતોએ કેસરીયા માહોલમાં શસ્ત્રપૂજન કરી અનેરી એકતાના દર્શન કરાવ્યા હતા.
- Advertisement -
ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા સમસ્ત રાજપૂત સમાજના શસ્ત્રપૂજનના આ વિરાટ કાર્યક્રમમાં ભવાની ધામ મંદિરના સ્વપ્નદ્રષ્ટા વજુભાઈ વાળા, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, કનાભા ગોહિલ, જશભાઈ બારડ, કિશોરસિંહ ચૌહાણ, માવજીભાઈ ડોડીયા સહિત રાજકીય, સામાજિક ક્ષેત્રના રાજપૂત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ જાજરમાન કાર્યક્રમને સફળ બનાવવા બદલ વજુભાઈ વાળાએ સમસ્ત રાજપૂત સમાજનો આભાર માનવાની સાથોસાથ રાજપૂત સમાજને ‘સૌ એક બનો નેક બનો’ તેવી અપીલ કરી હતી અને આગામી દિવસોમાં ભવાની ધામના ભૂમિપૂજનના કાર્યક્રમમાં આનાથી પણ બમણી સંખ્યામાં રાજપૂત સમાજ ઉમટી પડે તેવી અપીલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે શસ્ત્રપૂજન માટેના ડોમમાં 35 હજાર લોકો ઉપરાંત 8થી 10 હજાર લોકોને બહાર બેસવું પડ્યું હતું એટલો જબ્બર પ્રતિસાદ કાર્યક્રમને મળ્યો હતો.
- Advertisement -
ન ભૂતો, ન ભવિષ્યતિ જેવા આ વિરાટ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શૌર્ય દિવસ ઉજવણી કમિટિના સભ્ય વિક્રમસિંહ પરમાર, ડૉ. અનિરૂદ્ધસિંહ પઢિયાર, મહેશભાઈ રાઠોડ, મહિપતસિંહ અને કોર્ડીનેટર તેજસભાઈ ભટ્ટીએ સમાજનો આભાર માન્યો હતો.
વજુબાપાની અપીલને જબ્બર પ્રતિસાદ મળ્યો
સમસ્ત રાજપૂત સમાજના આ પ્રથમ વખત યોજાયેલા વિરાટ શસ્ત્રપૂજનના કાર્યક્રમ માટે સમાજના મોભી વજુભાઈ વાળાની અપીલને માન આપી હજારો જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા. હજુ આગામી દિવસોમાં મા ભવાનીધામના ભૂમિપૂજન કાર્યક્રમને પણ આથી બમણી સંખ્યામાં ઉપસ્થિત રહી સફળ બનાવવા વજુભાઈએ અપીલ કરી હતી.