મકાનમાં જર્જરિત હોવાથી લાભાર્થીઓ રહેવા જઈ શકતા નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રત્યેક નાગરિકને ઘરનું ઘર આપવાનું સ્વપ્ન અને વચન આપ્યું છે પરંતુ ખરેખર કેટલા નાગરિકોને પોતાના સ્વપ્નનું ઘરનું મળ્યું ? તે સૌથી મોટો સવાલ છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે પણ લગભગ બે દશકા પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ થયેલ આવાસના મકાનોની હાલત આજે ખંડેર કરતા પણ બદતર છે. ધ્રાંગધ્રાના રાજપર રોડ ખાતે બનેલા આવાસના મકાનો બે દશકા પૂર્વે નિર્માણ કરાયા જે બાદ વર્ષો સુધી કોઈ લાભાર્થીને આપ્યા વગર અને ડ્રો કર્યા વગર આવાસના મકાનો પડ્યા રાખ્યા હતા જે મકાનો ખંડેર હાલતમાં થઈ ગયા બાદ સ્થાનિક નગરપાલિકાને વર્ષો બાદ સુરાતન ચડ્યું અને એક બાદ એક ડ્રો કરી લાભાર્થીઓને મકાન આપ્યા. જ્યારે આવાસના મકાનોમાં નથી પાણીની સુવિધા કે નથી લાઇટની સુવિધા જેથી લાભાર્થીઓ રહે તો ક્યાં રહે ?
- Advertisement -
તેવી સ્થિતિ ઉદભવ થઈ હતી જોકે આ પાણી અને લાઈટ બંનેની સુવિધા પૂર્ણ કરે તો પણ બે દશકા પૂર્વે બનેલા આ મકાનો હાલ જર્જરિત થઈ ચૂક્યા હોવાથી લાભાર્થીઓ મકાનમાં રહેવા જઈ શકતા નથી. આ તરફ નગરપાલિકા કાગળો ઉપર લાભાર્થીઓને મકાન સોંપ્યા હોવાના બણગા ફુકે છે પરંતુ ખરેખર 300થી વધુ આવાસના મકાનમાં માત્ર ત્રણથી ચાર પરિવારો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અગાઉ ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા સમયે જણાવ્યું હતું કે ” રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામ અર્થે આવેલી ગ્રાન્ટ વપરાશ થાય અને વિકાસનું કાર્ય થાય પરંતુ આ કામ લોક ઉપયોગમાં ન આવે તો તેને સીધો ભ્રષ્ટાચાર ગણાવી શકાય છે” આ વાક્ય સાથે આવાસના મકાનો પર પણ પોતાનું નિશાન તાકીને ધ્રાંગધ્રા નગરપાલિકાને ભ્રષ્ટાચારની પરિભાષા સમજાવી હતી. જોકે પાલિકાને વર્ષો પૂર્વ ભ્રષ્ટાચારી ભરડાએ પોતાના સકંજામાં લઇ લીધા હોવાથી “પથ્થર પર પાણી રેડવા” જેવું કામ છે પરંતુ અહી પાલિકાએ આપેલા જર્જરિત મકાન ગરીબ પ્રજાને તો આપ્યા પણ શું કામના ? તેવો સવાલ લાભાર્થીઓ વારંવાર ઉઠાવી રહ્યા છે.