કુંબલીયાપરા-ભવાનીનગર વિસ્તારના બાળકોને રાત્રે ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વિતરણ કરાયેલી છાશ પીધા બાદ 30થી વધુને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. શહેરના કુંબલીયાપરા અને ભવાનીનગર વિસ્તારની આ ઘટના છે. રાત્રે ગુંદાવાડી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રામનાથપરા નજીક આવેલા ભવાનીનગર અને કુંબલીયાપરા વિસ્તારમાં સાંજે એક ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. આ છાસ પીધા બાદ બે ત્રણ કલાક પછી લોકોને પેટમાં ગરબડ અને બેચેની અને દુ:ખાવો થવા લાગ્યો હતો. જે બાદ 30 થી વધુ લોકોને ઉલ્ટીઓ થવાની સાથે ઝેરી અસર થઈ હતી. જેથી સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી બંને વિસ્તારોમાં ખાનગી ક્લીનીકમાં લોકોની કતારો લાગી હતી. તબીયતમાં સુધારો ન થતાં તત્કાલ આ લોકો ગુંદાવાડી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. તબીબોએ ઘટનાની ગંભીરતા સમજી તત્કાલ ઝેરી અસર થયેલા લોકોની સારવાર શરૂ કરી હતી. મોડી રાત્રે તેમની તબીયતમાં સુધારો આવ્યો હતો.
એક બાળકને ICUમાં ખસેડવાની ફરજ પડી
મોટા ભાગનાં બાળકોની તબિયત સ્થિર હોવાનું, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. ICUમાં દાખલ છે તે બાળકનું નામ જયરાજ હિતેશભાઇ જાડા છે અને તેની ઉંમર 10 વર્ષ છે. તે ભવાનીનગર વિસ્તારમાં આવેલી શેરી નંબર 5માં રહેતું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જય બાંભણિયા, દીપાલી શિયાળ, નમ્રતા ચૌહાણ, હાર્દિક ભાટી, હસુ ચાવડા, કિશન ચાવડા અને રાજવી પરમાર સહિત બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે.