સેવા પખવાડિયા દરમિયાન સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાની સરવાણી વહી: મંત્રી ઋષિકેશ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
મિશન “અંત્યોદય”ના સંકલ્પ સાથે રાજ્યના પ્રત્યેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે ત્યારે વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે જાગૃતિ વધારવા અને દરેક ગામમાં જટિલ આરોગ્ય સંભાળ સેવાઓને સંતૃપ્ત કરવા માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કાર્યરત કરેલી “આયુષ્માન ભવ: અભિયાન” ની યોજનામાં ગુજરાતે ખુબ જ સક્રિયતા સાથે પોતાનું યોગદાન આપી સેવા પખવાડિયા દરમિયાન તેને અનુરૂૂપ કાર્યક્રમોનું આયોજન યોજ્યા હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
મંત્રીએ કહ્યું કે, તા.17મી સપ્ટેમ્બરથી 2જી ઓકટોબર-2023 દરમિયાન સેવા પખવાડિયું તરીકે આયુષ્યમાન ભવ: અભિયાન સમગ્ર રાજ્યમાં કાર્યરત રહ્યું હતુ. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ખરા અર્થમાં આરોગ્ય સેવાની સરવાણી વહેતી રહી. પ્રવક્તા મંત્રીએ આયુષ્યમાન ભવ: અભિયાન અંગે માહિતી અપાતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સેવા પખવાડિયા દરમિયાન આયુષ્માન આપકે દ્વાર 3.0 અંતર્ગત પી.એમ.જે.એ.વાય. યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડના વિતરણ માટે 3,02,332 આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા. તેમજ સમગ્ર રાજ્યમાં 10,87,314 લાખ આભા કાર્ડ કાઢવામાં આવ્યા હતા.