આહીર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે લોકો ગરબે ઘૂમ્યા
નવલી નવરાત્રી અંતિમ ચરણમાં: અવનવા રાસ સાથે માતાજીની ભક્તિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
નવલી નવરાત્રીના પાવન પર્વ હવે અંતિમ ચરણમાં છે આજે આઠમું નોરતું કાલે નવમું નોરતું બાકી રહ્યું છે ત્યારે નવરાત્રી મહોત્સવમાં અનેરી રંગત જોવા મળી રહી છે.જેમાં પ્રાચીન ગરબીમાં નાની બાળાઓ અવનવા રાસ સાથે લોકોને મંત્ર મુગ્ધ કરી રહ્યા છે બીજી તરફ અનેક પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલયાઓ મન મૂકીને રાસ ગરબે ઘૂમી રહ્યા છે.તેમજ અનેક સમાજ દ્વારા પણ રાસોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરેક સમાજના પરંપરાગત પહેરવેશ સાથે માતાજીની ભક્તિ સાથે આરાધના કરીને ગરબે રમે છે. માણાવદર સમસ્ત આહીર સમાજ યુવક મંડળ દ્વારા આયોજિત શહેરના આદિત્ય પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત આહિર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાતમા નોરતે 1111થી વધુ આહીરાણીઓએ મહારાસ રમીને દ્વારિકામાં જે મહારાસ રમાયો તેવી ઝાંખી કરાવી હતી અને પરંપરાગત પહેરવેશ સાથે સોના મઢેલા પ્રાચીન ઘરેણાં સાથે મહારાસ યોજાયો હતો ત્યારે સમાજ અગ્રણીઓ સાથે અનેક લોકો મહારાસ જોવા બોહળી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની ભક્તિ, શક્તિ સાથે આરાધના કરી હતી.
માણાવદર સમસ્ત આહીર સમાજ દ્વારા બે વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે માણાવદરની 1111થી વધુ આહીરાણીઓએ પોતાના સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને શ્રુતિ આહીર અને ધાનસુર ગઢવીના કંઠે, મુનીર એન્ડ પાર્ટી ,બાલકૃષ્ણ ડીજે સાઉન્ડ તથા વાસુદેવ ફિલ્મ્સના સથવારે આ મહારાસ રમવામાં આવ્યો હતો. ત્યારે નવરાત્રી મહોત્સવમાં આ મહારાસ રમાતા ગત વર્ષે દ્વારિકામાં જેમ મહારાસ રમાયો હતો તેવી ઝાંખી માણાવદર ખાતે જોવા મળી હતી. આ નવરાત્રી મહોત્સવમાં આહીર સમાજના રાજકીય- સામાજિક સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલા મહારાસ નિહાળ્યો હતો. આહીર સમાજની આ ગરબા આયોજનને ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માણાવદર સમસ્ત આહીર યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. નવરાત્રી પર્વને જયારે બે દિવસ બાકી છે ત્યારે પ્રાચીન ગરબી સાથે ગરબા મહોત્ત્સવમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.ખેલૈયાઓ નવરાત્રીના અંતિમ બે દિવસ હોવાના લીધે ખેલાયાઓ મન મૂકીને નવરાત્રીમાં ગરબે ઘૂમીને રમઝટ બોલાવી રહ્યા છે.આસો નવરાત્રી પર્વે શેરી ગરબામાં પણ નાની બાળાઓ ભુવા રાસ, સળગતી ઈંઢોણી રાસ તેમજ માતાજીના સ્વરૂપે અવનવા રાસ સાથે લોકોને મંત્રમુગ્ધ કરે છે. આજે પણ શહેરમાં અનેક પ્રાચીન ગરબી જોવા મળે છે. તેમજ માતાજીના બેઠા ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.માતાજી સનમુખ બેઠા ગરબા સાથે માતાજીની સ્તુતિ સાથે અનેરું વાતાવરણ જોવા મળે છે.આમ નવ દિવસ માતાજીની આરાધના અને ભક્તિ સાથે પૂજન અર્ચન સાથે આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.