ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા અને પોલીસ દ્વારા દબાણ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ લારી ગલ્લા ગેરકાયદે જણાતા કાર્યવાહી હાથ ધરી 100થી વધુ દબાણ દૂર કરાતા દબાણકર્તામાં દોડધામ કરતા જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર હાલ લારીના દબાણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આથી સોમવારના રોજ પાલિકા અને સિટી એ ડિવિઝન પોલીસ પીઆઇ આર.એમ. સાંગડાની સૂચનાથી પોલીસ ટીમ તથા પાલિકા ચીફ ઓફિસર સાગરભાઇ રાડીયાની સૂચનાથી રાહુલભાઇ મોરી અને ટીમ દ્વારા દબાણ હટાવો કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે શહેરના મેડિકલ કોલેજ આસપાસનો વિસ્તાર તથા વચલી ફાટક વિસ્તાર જ્યાં મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં 100થી વધુ કાચા દબાણો દૂર કરાયા હતા.