દરેક સ્કૂલોમાં 1 થી 2 શિક્ષકોની ઘટ વચ્ચે ચાલતું શિક્ષણકાર્ય : કરોડોના ખર્ચ બાદ પણ શિક્ષકોની જગ્યાઓ ભરાતી નથી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની 32 હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓએ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રવેશોત્સવમાં બાળકોને દફતર, પુસ્તકો સહિતની વસ્તુઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી. બાળકો હવે સ્કૂલમાં જશે ત્યારે તેમને ભણાવનાર શિક્ષકો જ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે? રાજ્યની પ્રાથમિક અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા પાંચ વર્ષથી એક હજાર જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે.
- Advertisement -
રાજ્ય શાળા સંચાલક મંડળે નાણાંમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, 2017થી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલમાં 771 શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. પાંચ વર્ષમાં વય મર્યાદાના કારણે નિવૃત,મૃત્યુ થયા હોય અથવા રાજીનામુ આપ્યું હોય તેવા 200 થી વધુ શિક્ષકો છે. એટલે કે એક હજાર જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોની સંખ્યા 800 જેટલી છે એટલે એક સ્કૂલમાં 1 થી 2 શિક્ષકોની ઘટ છે. નાણાં વિભાગ દ્વારા 7 હજારથી વધુ શિક્ષકોની ભરતી કરવા છૂટ આપવામાં આવી છે. જેથી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો માટે શિક્ષકોની ભરતી કરવામાં આવે તો શિક્ષકોની ઘટ ઓછી થઈ શકે છે.
મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત સરકારના અનેક મંત્રીઓએ પ્રવેશાત્સવ સમયે અલગ અલગ જિલ્લામાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી કરોડોના ખર્ચે ધોરણ 1માં 2,91,912 બાળકો સહિત આંગણવાડીમાં 5.72 લાખ બાળકોને પ્રવેશ આપ્યો છે. આ બાળકોને પ્રવેશ આપવા તથા કાર્યક્રમ કરવા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પરંતુ 2017થી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં એક હજાર જેટલા શિક્ષકોની ઘટ છે તો તે ભરવામાં આવતી નથી.
- Advertisement -
શાળા સંચાલક મંડળના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની ગ્રાન્ટની નીતિ તથા શિક્ષકોની ભરતી ના કરવી તે એક તરફ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવાનો કારસો રચતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષમાં અનેક ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવા પામી છે અને હજુ સરકાર દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલો માટે કોઈ રસ રાખવવામાં આવતો નથી. જેના કારણે હજુ વધુ પ્રમાણમાં ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થશે અને આવનાર સમયમાં ગ્રાન્ટેડ સ્કૂલો નાબૂદ થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.