તાલાલા ગીરના ચિત્રોડ ગામે ડખ્ખો, એક ઈજાગ્રસ્ત
ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી, અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણને ઈજા
ધ્રુવરાજસિંહના ’ગીરના સ્ટેટસ’ બાદ રેકી કરી હુમલો કર્યાની શકયતા પોલીસે વ્યકત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોકડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોએ બબાલ કરી હતી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનામાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારે એક કિયા કારને ટક્કર મારી હોવાનું અને ત્યારબાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દેવાયત ખવડ અને તેમના માણસો જે ફોચ્ર્યુનર કારમાં સવાર હતા, તે કાર કિયા કાર સાથે અથડાઈ હતી. આ અથડામણમાં કિયા કારને નુકસાન થયું હતું. કિયા કારમાં સવાર અમદાવાદના સનાથલ વિસ્તારના રહેવાસી ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણને ઈજા થઈ હતી.
કાર અથડાયા બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાના પણ અહેવાલો છે, જેના કારણે તેમને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
તાલાલા ગીરના પીઆઈ જે. એન. ગઢવીએ જણાવ્યું છે કે, આ અંગે તેમને માહિતી મળી છે અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે દેવાયત ખવડ અને તેમના માણસોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
પૂર્વ વિવાદ સાથે સંબંધ?
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગત 20 ફેબ્રુઆરીએ સનાથલ ખાતે ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. આ હુમલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પણ આરોપી હતા. ધ્રુવરાજસિંહે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂકતાં દેવાયત ખવડે રેકી કરીને આ બબાલ કરી હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.



