સખી મંડળોએ 60 જેટલા સ્ટોલ રાખી 18 લાખથી વધુની વસ્તુનું વેંચાણ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
વંદે ગુજરાત અન્વયે મોરબી ખાતે યોજાયેલા સખી મેળાની સપ્તાહમાં 47 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી અને સખી મંડળો દ્વારા 60 જેટલા સ્ટોલ રાખીને 18 લાખથી વધુની વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું અને અનેક સખી મંડળની મહિલાઓએ નિ:શુલ્ક સ્ટોલ મેળવી સારી એવી કમાણી કરી છે.આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે મોરબી જિલ્લામાં 30 જૂનથી 6 જુલાઈ દરમિયાન 7 દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સખી મેળામાં બાવન વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જ્યાં વિવિધ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, ફુડ પ્રોડક્ટ, ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યુ હતું ઉપરાંત 8 જેટલા ફુડ સ્ટોલ પણ અહીં રાખવામાં આવ્યા હતા. આ સપ્તાહ દરમિયાન 47,430 જેટલા લોકોએ આ સખી મેળાની મુલાકાત લીધી હતી અને સખી મંડળો દ્વારા રૂ. 18,84,990 ની વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મોરબી ખાતે યોજાયેલ સખી મેળામાં ટંકારાના શક્તિ સખી મંડળના સોનલબેન સગરનો પણ સ્ટોલ હતો જ્યાં તેમણે સાડી, મહિલાના પગરખા, અન્ય શૃંગાર તેમજ પરિધાન સામગ્રીનું સાત દિવસ દરમિયાન વેચાણ કરી સ્વરોજગારી મેળવી છે. સખી મેળા વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, અમારા શક્તિ સખી મંડળમાં 100 જેટલી બહેનો જોડાયેલી છે. સખી મંડળમાં જોડાવાથી અમને ઘણો ફાયદો થયો છે. અમારા મંડળને 5 લાખની વગર વ્યાજની લોન પણ મળી છે. ઉપરાંત આવા નિ:શુલ્ક સ્ટોલ આટલી સારી વ્યવસ્થા સાથે મળી રહે છે સાથે સાથે લોકોની સારી એવી ભીડ મળવાથી અમારું વેચાણ પણ ખૂબ સારું થયું છે. એક રીતે કહું તો આ સખી મેળો અમારા જેવી મહિલાઓ અને સખી મંડળો માટે આશીર્વાદરૂપ છે.