ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં છેલ્લા 5 દિવસથી થઈ રહેલા વરસાદના પગલે તમામ જળાશયમાં પાણીની નોધપાત્ર આવક થઈ છે તો મોરબી શહેરમાં થયેલા વરસાદને પગલે શહેરમાંથી મોટા પ્રમાણમાં મચ્છુ નદીમાં પાણીનો પ્રવાહ ઠલવાયો હતો જેના કારણે મચ્છુ 3 ડેમમાં નોધપાત્ર પાણીની આવક થતાં આજે બપોરે 2 વાગ્યે મચ્છુ 3 ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો હતો. સિંચાઈ વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ શહેરમાં થયેલા વરસાદને પગલે થયેલી આવક તેમજ ડેમ સપાટી પર છેલ્લા 24 કલાકમાં 82 મીમી જેટલા વરસાદના કારણે પાણીની આવક 1103 કયુસેક થઈ છે જેના કારણે હાલ ડેમની 27 મીટરની કુલ સપાટીમાંથી 26.52 મીટર જેટલી સપાટી ભરાઈ છે. ડેમની કુલ 191 એમસીએફટી સ્ટોરેજ કેપેસીટીમાંથી 172.365 એમસીએફટી પાણી ડેમમાં ભરાયેલું છે. વરસાદ અને પાણીની આવકને પગલે મચ્છુ 3 ડેમના નિંચાણવાળા વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગોરખીજડિયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર, અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા ગામ તેમજ માળિયા મિયાણા તાલુકાના દેરાળા મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, ફતેપર, હરીપર તેમજ માળિયા મિયાણા પાલિકા વિસ્તાર સહીતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.