ખાનગી કંપનીમાંથી લીધેલ રૂ. 3.83 કરોડની લોનના ત્રણ હપ્તાની ભરપાઈ ન થતાં બેંકે હોટલ સીલ કરી
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પ્રખ્યાત મહેશ હોટલને લોનના હપ્તા નહીં ભરવા બદલ બેંક દ્વારા સીલ કરી દેવામાં આવી છે જેમાં ખાનગી કંપનીમાંથી લીધેલી રૂ. 3.83 કરોડની લોનના ત્રણ હપ્તા સમયસર ભરપાઈ ન થતા કંપનીએ કરેલ કોર્ટમાં ફરીયાદના અંતે હોટલને સીલ લગાવવામાં આવ્યું હતું અને લોનની રકમ 60 દિવસમાં ભરપાઈ કરવા હુકમ કર્યો હતો. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પ્રખ્યાત મહેશ હોટેલને આજે હીરો ફિનકોર્પ લીમિટેડ દ્વારા સીલ કરવામાં આવી છે. મહેશ હોટેલના સંચાલકો દ્વારા હીરો ફિનકોર્પ લિમિટેડ કંપની પાસેથી રૂપિયા 3.83 કરોડની લોન લીધા બાદ જે તે વખતે બાકી રહેલા ત્રણ હપ્તાની ચુકવણી ન થતાં અંતે બેંક દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે જેમાં ભરવાના બાકી રહેતા માત્ર ત્રણ હપ્તા માટે લેણદાર કંપની હીરો ફિનકોર્પ લિમિટેડ દ્વારા કોર્ટમાં કાર્યવાહી કરાતા આજે સવારે મહેશ હોટલને સીલ મારવામાં આવ્યું હતું.
વધુમાં મહેશ હોટલના માલિકોને હીરો ફિનકોર્પ લિમિટેડ દ્વારા જાહેર નોટિસ પણ ફટકારવામાં આવી છે જેમાં ભાગીદારો જયેશભાઇ ભૂપતરાય ઠાકર, અજય બી. ઠાકર, બંટી બી. ઠાકર, ભુપતભાઇ કે. ઠાકર, હર્ષિદાબેન ઓમશંકર ઠાકર, કૃશાંક ઓ. ઠાકર, હંસાબેન નરેન્દ્રભાઈ ઠાકર, રોહિતકુમાર હસુખરાય ઠાકર અને હિમાંશુ એન. ઠાકરના નામજોગ હીરો ફિનકોર્પ કંપનીની ચડત રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ હોટલના સંચાલકો દ્વારા હાઈકોર્ટમાંથી ઉપરોક્ત બાબતે સ્ટે લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.