ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંભવિત મોરબી જિલ્લાની મુલાકાતે
કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી 26 માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત બાબતે તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ડોમ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન અને આનુષાંગિક વ્યવસ્થાઓ, હેલીપેડ, ગ્રીનરૂમ, લોકાર્પણ થનાર વિકાસ કાર્યોની તખ્તી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, પીવાનું પાણી, ફાયર ફાઈટર અને કાયદો વ્યવસ્થા જાળવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી સબંધિત અઘિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આગામી 26 માર્ચના રોજ ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી શહેર તથા જિલ્લાને અંદાજિત 1000 કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપવા પધારનાર છે. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓમાં જોડાઈ ગયું છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ કલેક્ટરશ્રી ઉમંગ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભટ્ટ, મોરબી મહાનગરપાલીકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.