જ્યાં જનતા ખોદેલા રસ્તાઓ અને ગંદકી વચ્ચે જીવે છે ત્યાં નેતાઓ શરતો અને રાજીનામા લઈને રમત રમી રહ્યા છે !
લાતી પ્લોટના રહેવાસીઓની પોકાર – ‘રાજકીય ચેલેન્જો નહિ, હવે તો રસ્તા, સફાઈ અને વિકાસ જોઈએ’
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ગુજરાતમાં વિકાસની વાત છોડીને ભાજપના નેતા રાજીનામાવાળી રમત રમત રમી રહ્યાં છે. આવામાં જનતા ત્રાહિમામ પોકારી રહી છે અને નેતાઓને કહી રહી છે કે, આ ખેલ બંધ કરો અને જેટલા રૂપિયાની શરત લગાવો છો, તેટલા રૂપિયાથી મોરબીનો વિકાસ કરો.
કાંતિભાઈએ કહ્યુ કે, હુ 2 કરોડ આપુ. બીજા ધારાસભ્યએ કહ્યું કે હું પણ 2 કરોડ આપું. પરંતું 4 કરોડ આપણા હાથમાં આવે તો હું જેસીબી અને ટ્રેક્ટર લાવીને આખા મોરબીને ચોખ્ખું કરી દઉં. પછી તો ચૂંટણી આવે જ નહિ ને. કાંતિભાઈ 4 કરોડ આપી દે તો આખા મોરબીને ચોખ્ખું કરવાની જવાબદારી મારી. ચંદ્રકાંત મોઢાએ કહ્યું કે, અંદરોઅંદર ઝગડા કરી રહ્યા છો તેને મહત્વ ન આપો, હાલ મોરબીના વિકાસને મહત્વ આપો. બે કરોડ હુ આપી દઉ એની વાતો કરવા કરતા અત્યારે લાતી પ્લોટ ત્રાહિમામ થઈ ગયો છે. આ સફેદ વાળ આવી ગયા, 40 વર્ષ થઈ ગયા, પણ લાતી પ્લોટમાં કોઈ જાતનુ કામ થતુ નથી. ધારાસભ્ય તમને સાત-સાત વાર અમે ચૂંટ્યા છે, તમે એકવાર લાતી પ્લોટમાં આવો તો ખરા. તમે એકવાર આવો. કાંતિભાઈ તમને પોકાર કરીએ છીએ. ભાજપને વોટ આપ્યો, તો તમારા નામથી આપ્યો છે. તમારે એકવાર લાતીપ્લોટ આવવું જોઈએ. અહીની પ્રજા કેવી ત્રાહિમામ છે. ગાંધીનગર સીએમ સાથે મીટિગ કરું છુ તેવા વાહિયાત બહાના ના કાઢો. બીજીવાર ચૂંટણીમાં ઉભા રહેશો તો લોકો વિચારશે. આ ચેલેન્જને ગોપાલ ઇટાલીયાએ સ્વીકારી હતી. ત્યારબાદ કાંતિભાઇનું બીજું નિવેદનઆવ્યું હતું કે બંને આવતા સોમવારે રાજીનામાં આપીએ અને ત્યારબાદ મોરબીમાં ચૂંટણી આવે એટલે સામસામે લડીએ. આ બાબતને લઈને મોરબીના લોકોનું શું કહેવું છે તે જાણવા માટે થઈને મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર કે જ્યાંના લોકોએ પણ સનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાં પહોંચ્યા હતા અને લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો. વેપારીઓએ જણાવ્યું હતું કે નિવેદનબાજી કે રાજકીય વાતો કરવાના બદલે લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માંગે છે તે પૂરી કરવાની જરૂર છે. આજની તારીખે પણ લાતી પ્લોટમાં રોડ રસ્તા ચાલવા જેવા નથી. અઢી વર્ષ પહેલા મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું તેમ છતાં પણ ત્યાં ઉબડખાબડ રોડ રસ્તા, ગારા ખીચડ, ગંદકી વિગેરે જેવા અનેક પ્રશ્નો છે. આવી જ પરિસ્થિતિ ક્યાંક મોરબીના અન્ય વિસ્તારોમાં છે ત્યારે ચૂંટણી લડવા માટે અને જીતવા માટે જે ચેલેન્જમાં બે બે કરોડ રૂપિયા આપવાની વાતો કરવામાં આવે છે તે 4 કરોડ રૂપિયા મોરબીના ઉદ્યોગકારોને આપો તો મોરબીના લાતી પ્લોટ વિસ્તારની શકલ બદલાઈ જાય તેમ છે.