આંદરણા નજીક મહિલાના સળગાવેલા મૃતદેહ મામલે હત્યાનો ભેદ ઉકેલાયો
પત્ની અને પુત્ર સાથે ઝઘડો કરવાના કારણે કંટાળી જઈ મિત્રો સાથે મળીને સાસુને ગળે ટૂંપો આપ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
મોરબીના આંદરણા ગામ નજીક હળવદ હાઈવે રોડ પર હરખજીભાઈ કુંડારિયાના ખેતરના શેઢા પાસેથી ગત તા. 13ના રોજ સળગાવેલી હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, જેમાં એલસીબી ટીમે હત્યા કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડીને બે અન્ય આરોપીઓના નામ પણ ખોલાવ્યા છે.
પોલીસે તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ સુશીલાબેન વસંતરાવ પાટીલ તરીકે કરી હતી. ત્યારબાદ એલસીબી ટીમે બાતમીના આધારે માળિયા મીંયાણા હાઈવે પર પીપળી ગામ નજીક વોચ ગોઠવી નાનેશ્વર પંડેરી પવાર નામના ઇસમને મોટરસાઇકલ સાથે ઝડપી લીધો હતો. આરોપી નાનેશ્વર પવારે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેની સાસુ સુશીલાબેન વગર વાંકે પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડા કરીને અપશબ્દો બોલતા હતા. આનાથી કંટાળી જઈને તેની પત્ની અને મોટો પુત્ર વતન ચાલ્યા ગયા હતા.
નાનેશ્વરે પોતાના મિત્ર રાહુલ અને રાહુલના અન્ય એક મિત્ર સાથે મળીને સાસુ સુશીલાબેનને ગળે ટૂંપો આપી મારી નાખીને મૃતદેહ સળગાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. રવિવારે મોડી રાત્રે પ્લાન મુજબ નાનેશ્વરે ઘરમાં સૂતેલા સાસુના પગ પકડી રાખ્યા હતા, જ્યારે રાહુલે મોઢું દબાવીને અને રાહુલના મિત્રે ગળે ટૂંપો આપીને તેમનું મોત નીપજાવ્યું હતું.
- Advertisement -
બાદમાં કોથળામાં મૃતદેહ મૂકીને રાહુલનો મિત્ર મોટરસાઇકલ પર હળવદ-મોરબી રોડ પર આંદરણા અને માંડલ વચ્ચે અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં મૃતદેહ પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દઈ ત્રણેય ફરાર થઈ ગયા હતા. મોરબી એલસીબી ટીમે આરોપી નાનેશ્વર પવાર પાસેથી હત્યામાં વપરાયેલું મોટરસાઇકલ, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો કબજે કરીને ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.