પુલ પર તિરાડો અને ખાડાઓને લીધે અકસ્માતનો ભય: ટ્રાફિક ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
- Advertisement -
જોખમી હાલત અને જનતાની હાલાકી મોરબી શહેરના હાર્દ સમાન પાડાપુલની હાલત અત્યંત જર્જરિત અને જોખમી બની હોવાને કારણે સ્થાનિક સામાજિક કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી છે. પુલ પર અનેક જગ્યાએ મોટી તિરાડો અને ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેને લીધે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને અન્ય સભ્યોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, આ પુલ પરથી રોજિંદી અવરજવર કરનારા લોકો બીમાર પડી રહ્યા છે અને વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.
વહીવટી તંત્રને કડક ચેતવણી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો પુલનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મોરબી નગરપાલિકા અને જિલ્લા કલેક્ટર તંત્રની રહેશે. ખરાબ રસ્તાને કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થવાથી ગંભીર ઈજાઓ કે મૃત્યુ થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે સ્થાનિક મંત્રી કાંતિભાઈ અમૃતિયાને પણ જાણ કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી નક્કર કામગીરી દેખાતી નથી તેવો આક્ષેપ કાર્યકરોએ કર્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા અને આંદોલનની રણનીતિ જાહેર હિતને ધ્યાને રાખીને કાર્યકરોએ પાડાપુલ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરી મયુર પુલ અથવા નદી પરના નીચા બેઠા પુલ તરફ ડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે. સામાજિક કાર્યકરોએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે જો આગામી દિવસોમાં સમારકામ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો સ્થાનિક નાગરિકો સાથે મળીને ’રસ્તા રોકો આંદોલન’ કરવાની ફરજ પડશે. તંત્રની ઢીલી નીતિ સામે મોરબીના નાગરિકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે.



