ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
મોરબી પોલીસે જિલ્લામાં દારૂના વેચાણ પર સપાટો બોલાવ્યો છે. જેપુર, પાનેલી રોડ અને નવલખી રોડ પરથી પોલીસે દારૂ-બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જોકે બે મુખ્ય આરોપીઓ નાસી છૂટ્યા છે.
જેપુરની સીમમાંથી રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી તાલુકા પોલીસે જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ નજીક બાવળની કાંટમાં રેડ પાડી હતી. અહીં છુપાવેલો રૂ. 1,42,040 ની કિંમતનો વિદેશી દારૂની 82 બોટલ અને 33 બિયરના ટીન નો જથ્થો મળ્યો હતો. સ્થળ પરથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત ₹5,000 હતી. કુલ ₹1,47,040 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જોકે, આરોપી રોહિત મુન્નાભાઈ કોળી પોલીસને જોઈને નાસી ગયો હતો.
પાનેલી રોડ પરથી ₹6,000ના બિયર સાથે એક ઝડપાયો
બીજી એક કાર્યવાહીમાં, મોરબી તાલુકા પોલીસે પાનેલી રોડ પર આરજીલ સિરામિક પાસે રેડ કરીને જૈનુભાઈ રગુસિંગ કલસિયા (મૂળ મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ₹6,000 ની કિંમતના 30 બિયરના ટીન નો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નવલખી રોડ પરથી ₹40 હજારથી વધુનો દારૂ ઝડપાયો
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ પર સેન્ટ મેરી ફાટક નજીક રોહિત મુન્નાભાઈ સરવૈયા ના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી વેચાણના ઈરાદે રાખેલો વિદેશી દારૂની 112 બોટલ અને 5 બિયરના ટીન મળી કુલ ₹40,950 નો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી રોહિત સરવૈયા પણ રેડ દરમિયાન હાજર ન હોવાથી તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



