મોરબીના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં થયેલ ચોરીના બનાવ સહિત અન્ય 10 મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના લીલાપર ગામે આવેલ મેલડી માતાજીના મંદિરમાં ગત તા. 04 ના રોજ બપોરના સમયે તાવો કરવાના બહાને આવી મંદિરમાં ભકતોએ ચડાવેલ એક-એક તોલા વજનના સોનાના બે છત્તર (કિં.રૂ. 80 હજાર) ની ચોરી થતા આ બનાવ અંગે બાબુભાઇ અણદાભાઇ ખાંભલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી ચોરીના બનાવનો ભેદ ઉકેલવા મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીદારોને કામ લગાડી ટેક્નિકલ સર્વેલન્સને આધારે રાજકોટના હુડકો ચોકડી નજીક છોટુનગરમાં રહેતા મૂળ ગોંડલના વતની આરોપી સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહેલને ચોરીમાં ગયેલા બંને છત્તર સાથે દબોચી લીધો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ગુગલ મેપના આધારે સર્ચ કરી મંદિરને શોધી બાદમાં માનતા પુરી કરવાને બહાને કોઈની અવરજવર ન હોય ત્યારે મંદિરમાંથી ચોરી કરતો હોવાની કબૂલાત આપી હતી જો કે મોરબીના લીલાપરમાં પોતે એકલાએ ચોરી કરી હોવાનું કબૂલી અન્ય નવ ચોરીના બનાવમાં તેના સાગરીત એવા આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ સાથે મળી લોધિકાના ચીભડાં ગામે હનુમાનજી મંદિર, ટંકારાના હડમતીયા ગામે ચામુંડા માતાજીના મઢમાં, રાજકોટના થોરાળામાં, જૂનાગઢના વડાલામાં, લતીપર, જસદણ અને ધોરાજી તાલુકામાં મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
ગુગલ મેપનાં આધારે મંદિરોમાંથી ચોરી કરતા રાજકોટના શખ્સને મોરબી પોલીસે ઝડપી લીધો
