કોન્ટ્રાક્ટરે 24 કલાકમાં કામ પૂરું કરવાની ખાતરી આપી, પણ JCB ચાલક ‘ગયા તે ગયા’: દુકાનો બહાર મોટા ખાડાથી વેપાર બંધ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં કલેક્ટર કચેરી રોડ પર પીજીવીસીએલનાં અંડર ગ્રાઉન્ડ કેબલ પાથરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ રોડની એક સાઇડ પેવર બ્લોક તોડીને ખોદેલા ખાડા ચાર દિવસથી ખુલ્લા રહેતા સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
સ્થાનિક વેપારી પ્રદીપભાઈએ જણાવ્યું કે, શુક્રવારે કામ શરૂ કરતી વખતે કોન્ટ્રાક્ટરે શનિવાર સુધીમાં કેબલ પાથરીને ખાડા બુરી દેવાની ખાતરી આપી હતી. જોકે, ત્રણ દિવસની રજાઓ વીત્યા છતાં કોઈ રિપેરિંગ કામગીરી માટે આવ્યું નથી. આ રોડ પર આવેલી 20 જેટલી દુકાનોની બહાર મોટા ખાડા હોવાથી ગ્રાહકોનું આવવાનું બંધ થઈ ગયું છે, જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
રમેશભાઈ ખાણધરે ફરિયાદ કરતા જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરે ખાતરી આપી હોવા છતાં ચાર દિવસ થઈ ગયા છે. અગાઉ પણ અહીં ખાડા કરીને રિપેરિંગ ન થતાં વેપારીઓએ પોતાના ખર્ચે પેવર બ્લોક ફિટ કરાવ્યા હતા. વારંવાર રોડ ખોદી નાખવાના કારણે વેપારીઓ ત્રાસી ગયા છે. પીજીવીસીએલ તંત્રએ તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ કરવું જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.



