કોર્ટ સમક્ષ SIT દ્વારા તૈયાર કરવામાં આવેલ વચગાળાનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરાયો
દુર્ઘટનાના ઈજાગ્રસ્તોને એક લાખનું વળતર ચુકવવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા પ્રમાણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃતકોને વધારાનું વળતર ચૂકવાશે જેમાં મૃતકોના પરિવારને 10 લાખ વળતર ચૂકવવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એક લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. આ સાથે જ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકા વિસર્જિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચીફ ઓફિસર વિરુદ્ધ તાત્કાલિક પગલાની સરકાર પક્ષે ખાતરી
15 જૂન 2017 ના રોજ ઝૂલતા પુલને અજંતા ઓરેવાને સોંપ્યાના 9 વર્ષ પૂરા થયા હોવાનું અને બાદમાં માર્ચ 2022 માં જ નવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાનું તેમજ અજંતા દ્વારા સંચાલન ચાલુ રાખવામાં આવ્યું હોવાનો સરકાર તરફે જવાબ રજૂ કરી કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.વી. ઝાલા સામે શિસ્તભંગના પગલાં લેવા માટે ઝડપથી કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી જો કે 135 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.વી. ઝાલા સામે કોઈ આરોપો મળ્યા ન હોવાનું પણ સરકાર તરફે રજૂ કરવામાં આવ્યું હતું.
મૃતકોના પરિવારને 10 લાખ વળતર ચૂકવાશે
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામા પ્રમાણે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સૌથી પહેલાં મુખ્યમંત્રી રાહત કોષમાંથી 4 લાખ, વડાપ્રધાન રીલિફ ફંડમાંથી બે લાખ ચૂકવાયા છે. આ ઉપરાંત વધુ ચાર લાખ રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે કુલ 10 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
- Advertisement -
નગરપાલિકા વિસર્જીત કરવાની કાર્યવાહી થશે
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા હાઈકોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગરપાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી કરાશે.