ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે લીલાપર રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીલાપર રોડ ઉપર સવારથી મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં જેસીબી વડે દબાણ હટાવવાનું શરૂ કરી દબાણો હટાવી દેવાયા હતા.
મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે લીલાપર રોડ ઉપર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારથી જેલ ચોક વિસ્તારથી ગેરકાયદે ખડકાયેલા દબાણોનો કડુસલો બોલાવવામાં આવી રહ્યો છે. રહેઠાણ, કોમર્શિયલ, શેડ સહિતના અનેક દબાણો જેસીબી વડે યલ તોડવામાં આવી રહ્યા છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે લીલાપર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અહીં અડધા જેટલા રોડ ઉપર દબાણો થયા હોય જેને હટાવતા રોડ ખુલ્લો થઈ ગયો હતો, જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય હતી અને માર્ગ સાંકડો થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ થતી હતી પણ હવે લીલાપર રોડ ઉપર પતરા સહિતના દબાણો દૂર થતાં રોડ ત્રણ પટ્ટી પહોળો થઈ ગયો છે.