હેરિટેજ સ્મારક સમા મણિમંદિરની દીવાલને અડીને જ ગેરકાયદે રીતે ખડકી દીધી હતી મસ્જિદ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના હેરિટેજ સ્મારક સમા મણિમંદિરની દીવાલને અડીને જ ખડકાયેલી મસ્જિદનું બાંધકામ ગેરકાયદે હોવાની ફરિયાદ ઉઠતા જે તે સમયે માર્ગ મકાન વિભાગે કાર્યવાહી કરી હતી અને એ ડિવિઝન પોલીસ મથકે લેન્ડ ગ્રેબિગ એકટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે મસ્જિદના મુંઝાવરની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી અને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવતા મેજિસ્ટ્રેટ દ્વારા મુંઝાવરના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોરબી શહેરના હેરિટેજ સ્મારક એવા મણિમંદિર પાસે આવેલી મસ્જિદના આગળના ભાગે કોઈ પણ મંજૂરી વિના કથિત રીતે ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી જે અંગે થોડા દિવસો અગાઉ જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ આ મસ્જિદના ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામ અંગે તંત્રનું ધ્યાન દોરી મુંજાવર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી જેથી અંતે માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદે ખડકી દેવામાં આવેલી મસ્જિદના મુંઝાવર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન પોલીસે મસ્જિદના મુંઝાવર હાસમશા ઝાકીરશા ફકીરને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે અને મોરબી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.