ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં બુટલેગરો એક યા બીજી રીતે દારૂ ઘુસાડવાની પેરવી કરી રહ્યા છે અને રાજ્યમાં ચુંટણી પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણી સમયે દારૂબંધીની કડક અમલવારી થાય તેવા વિવિધ જિલ્લાના એસપીને નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં પણ દારૂબંધીની કડક અમલવારી કરવા પોલીસ એક્શન મોડમાં આવી છે અને બુધવારે રાત્રે મોરબી માળીયા હાઇવે ઉપર કિશનગઢ નજીક અને મોરબીના લીલાપર ગામની સીમમાં દરોડા પાડીને રૂ. 53.78 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડીને કુલ રૂપિયા 60.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. મોરબી એલસીબી ટીમે લીલાપર ગામની સીમમાં રાધેપાર્ટી પ્લોટ પાછળના ભાગે આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને ગોડાઉનમાંથી રૂપિયા 40,51,800 ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 8988 બોટલો ઝડપી લીધી હતી. આ દરોડા દરમિયાન આરોપી મિત વિજયભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યો હતો જયારે આ શખ્સની પૂછપરછમાં દારૂના આ કાળા કારોબારમાં આરોપી દીપકસિંહ ખોડુભા વાધેલા, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણનું નામ ખુલતા ત્રણેય આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બીજા દરોડામાં મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે માળીયા હાઈવે ઉપર કિશનગઢ નજીક દરોડો પાડી સોખડા ગામના રહીશ નયન રાયકાભાઇ ગઢવીની માલિકીના ટ્રકને ઝડપી લીધો હતો જે ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની 9636 બોટલો (કિં.રૂ. 11,82,000) અને કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 1416 ટીન (કિં.રૂ. 1,41,600) મળી આવ્યા હતા જેથી એલસીબી ટીમે 13,23,600 ની કિંમતના દારૂ બીયરના જથ્થા સહીત સાત લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂપિયા 20,23,600 નો મુદામાલ જપ્ત કરીને ટ્રક ડ્રાઈવર મદન અજુદી ક્ધછેદી વિશ્વકર્મા નામના શખ્સની ધરપકડ કરી હતી અને ફરાર ટ્રક માલિક નયન રાયકાભાઇ ગઢવીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મોરબી LCBના એક રાતમાં બે સ્થળોએ દરોડા: 53.78 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
