પંજાબથી ચોખાની આડમાં વિદેશી દારૂની 20,400 બોટલો ભરીને મુન્દ્રા જતા ટ્રકને અણિયારી ટોલનાકા પાસેથી ઝડપી લેવાયો
LCBએ 32.13 લાખના દારૂ સહિત કુલ રૂ. 43.94 લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય એ પહેલા જ મોરબી એલસીબી ટીમે પંજાબથી ચોખાની આડમાં વિદેશી દારૂની 20,400 બોટલ ભરીને મુન્દ્રા જતા ટ્રકને માળીયાના અણિયારી ટોલનાકા પાસે આંતરી લઈને ટ્રક અને દારૂ સહીત કુલ રૂપિયા 43.94 લાખના મુદામાલ સાથે બે રાજસ્થાની શખ્સને દબોચી લીધા હતા.
31મી ડિસેમ્બરની ઉજવણી માટે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂ ઠાલવવા બુટલેગરો સક્રિય થયા હોય સામે પોલીસ પણ સતર્ક બની છે ત્યારે મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી ટાટા ટ્રક નંબર આરજે-02-જીએ-7202 માં પંજાબથી ચોખાની આડમાં મુન્દ્રા તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જેને પગલે પોલીસ ટીમે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા બાતમીવાળો ટ્રક ત્યાંથી પસાર થયો હતો જેને રોકીને ચેકીંગ કરતા ટ્રકમાંથી 32 લાખ 13 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની અલગ અલગ કંપનીની 20,400 બોટલો મળી આવી હતી જેથી પોલીસે ચુનીલાલ દુર્ગારામ પુનીયા (રહે. જાયડુ ગામ, તા.રામસર જી. બાડમેર, રાજસ્થાન) અને દેવારામ હનુમાનરામ માયલા (રહે. સનાવડા ગામ, તા. જી. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડીને માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવ્યો હતો.
એલસીબી ટીમે દારૂના જથ્થા સહિત 10 લાખની કિંમતનો ટ્રક, 1.51 લાખની કિંમતના ચોખા, મોબાઈલ અને 20 હજાર રોકડા મળીને કુલ રૂ. 43 લાખ 94 હજાર 200 નો મુદ્દામાલ કબ્જે કરીને વિકાસ ઉર્ફે વિક્રમસિંગ (રહે. આબુરોડ, રાજસ્થાન) નામના શખ્સને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.