મોરબી શહેરમાં લોકોની સુવિધામાં વધારો કરવા પાલિકાએ વધુ પહેલ કરી છે જેમાં નગરપાલિકા દ્વારા શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા આવવા માટે સીટી બસની સંખ્યા વધારવામાં આવી છે. મોરબીમાં અગાઉથી 4 સીટી બસ ચાલી રહી હતી જોકે શહેરના વિસ્તાર અને વસ્તી મુજબ આ સંખ્યા ખુબ ઓછી હતી. રાજ્ય સરકારની અમૃત સિટી યોજના અંતર્ગત નવી બસ ફાળવવામાં આવી રહી છે ત્યારે મોરબીને પણ બે નવી સિટી બસ મળી ચુકી છે.
આ બસનું મંત્રી બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કે કે પરમાર, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને અન્ય હોદેદારો દ્વારા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં કુલ 6 બસ અલગ અલગ રૂટ પર ચાલી રહી છે જયારે હજુ 14 બસ આગામી સમયમાં મળતા નવાં રૂટ અને ટાઈમ ટેબલ પણ જાહેર કરી ચલાવવામાં આવશે તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.